<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ગોંડલમાં મધરાતે ઘરમાં ઘુસી નિલેષભાઇ શેખની હત્‍યા

દારૂની ટેવ ધરાવતાં વિશાલ બાવળીયા અને બે અજાણ્‍યાએ ધોકાવાળી કર્યાનું પરિવારજનોનું કથનઃ નિલેષભાઇ પર હુમલો કર્યા બાદ સામેના રૂમમાં સુતેલી તેની ભત્રીજીને જગાડી ‘તારો બાપ જયલો ક્‍યાં છે?' કહી તેણીને પણ ધોકો ફટકાર્યોઃ ૪૫ વર્ષિય નિલેષભાઇએ રાજકોટમાં દમ તોડયોઃ જુનુ મનદુઃખ કારણભુત હોવાની શક્‍યતાઃ પાંચ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

 

રાજકોટ તા. ૨૧: ગોંડલમાં મધરાતે ત્રણ શખ્‍સોએ કોળી આધેડના ઘરમાં ઘુસી તેના પર ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં આ આધેડની લોથ ઢળી ગઇ છે. રાતે થયેલા હુમલામાં ગંભીર ઇજા પામનારા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મોત થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. જુના મનદુઃખને કારણે કે પછી બીજા કારણે દારૂ પીવાની ટેવ ધરાવતાં શખ્‍સ સહિતના ત્રણ જણાએ આ હત્‍યા કરી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.જાણવા મળ્‍યા મુજબ ગોંડલ ભગવતપરા કોળીવાસમાં રહેતાં નિલેષભાઇ જેન્‍તીભાઇ શેખ (ઉ.વ.૪૫) નામના આધેડ રાતે પોતાના ઘરની સામે જ આવેલા વડીલોપાર્જીત જુના મકાનમાં દરરોજ સુવા જાય છે. રાતે ત્રણેક વાગ્‍યે તે આ મકાનમાં સુતા હતાં ત્‍યારે તેના પર ધોકાથી હુમલો કરાયો હતો. જેમાં તેને માથા, શરીરે, બંને હાથમાં ગંભીર ઇજાઓ થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે તેમણે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ કરતાં ગોંડલ એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

હત્‍યાનો ભોગ બનેલા નિલેષભાઇ શેખ-કોળી બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. આ ઘટના અંગે વિગતો આપતાં મૃતકની તેર વર્ષની ભત્રીજીએ જણાવ્‍યું હતું કે-રાતે ત્રણેક વાગ્‍યે અચાનક મારા રૂમમાં કોઇ આવ્‍યું હોઇ એવું લાગતાં હું જાગી ગઇ હતી. મને થયું કે મારા પપ્‍પા છે, પણ ત્‍યાં જ એ શખ્‍સે મારુ બાવડુ પડકી લીધુ હતું. મેં જોતાં આ શખ્‍સ વિશાલ બાવળીયા હતો. તેની સાથે બે બીજા શખ્‍સો પણ હતાં.

વિશાલે મને ગાળો દઇ ‘તારો બાપ જયલો ક્‍યાં છે?' તેમ કહેતાં મેં તેને ગાળો નહિ દેવા સમજાવ્‍યો હતો અને દેકારો મચાવ્‍યો હતો. આ વખતે વિશાલે મને બાવડા પર ધોકો મારી દીધો હતો. બૂમાબૂમ થતાં અમારા ઘરના બીજા લોકો જાગી જતાં વિશાલ સહિતના ત્રણેય ભાગી ગયા હતાં. પછી અમે અમારા સામેના ઘરમાં જોતાં ત્‍યાં મારા મોટા બાપુ નિલેષભાઇ લોહીલુહાણ હાલતમાં બેભાન જેવા પડેલા દેખાયા હતાં. અમે તેને ગોંડલ હોસ્‍પિટલમાં અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડયા હતાં. તેમ વધુમાં બાળાએ જણાવ્‍યું હતું.

મૃતકના અન્‍ય સગાએ કહ્યું હતું કે હુમલાખોર વિશાલ અને મૃતકના ભાઇ વચ્‍ચે અગાઉ મિત્રતા હતી અને એક વખત માથાકુટ થઇ હતી. વિશાલ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને ગમે ત્‍યારે માથાકુટ કરતો રહે છે. જુની અદાવતનો ખાર રાખી રાતે તે મૃતક નિલેષભાઇના ભાઇ જયેશભાઇને શોધવા આવ્‍યા બાદ નિલેષભાઇ જાગી જતાં કદાચ તેના ઉપર ધોકાવાળી કરી લીધી હોઇ શકે છે. પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી  છે.

 

(11:07 AM IST)