<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

દેશમાં કાળઝાળ ગરમી વચ્‍ચે રાહતના સમાચારઃ ૩૦ મેથી વાતાવરણમાં પલટો આવશે, ૪ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે

હવામાન નિષ્‍ણાત રમેશ બસિયાની આગાહીઃ રાજસ્‍થાનની સિસ્‍ટમ અને અરબી સમુદ્રના ભેજથી ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વરસાદ, ૨૯ મે સુધી ગરમી યથાવત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૬: સમગ્ર દેશમાં હાલ નૌતપાની આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજસ્‍થાન અને ગુજરાત સહિત ઉત્તર અને મધ્‍ય ભારત ભીષણ ગરમીની ચપેટમાં આવી ગયું છે. અનેક વિસ્‍તારોમાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સેલ્‍સિયસને પાર પહોંચી જતા જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બન્‍યું છે. જોકે હવામાન વિભાગ અને હવામાન નિષ્‍ણાતો દ્વારા લોકો માટે રાહતના સમાચાર આપવામાં આવ્‍યા છે.

હવામાન નિષ્‍ણાત રમેશ બસિયાના જણાવ્‍યા અનુસાર, આગામી ૨૯ મે સુધી ગરમીનું આ આકરૂં જોર યથાવત રહેશે, પરંતુ ૩૦ મેથી વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળશે જે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત અપાવશે. રાજસ્‍થાન ઉપર એક યુ.એ.સી. એટલે કે અપર એર સાઇક્‍લોનિક સકર્યુલેશન સર્જાયું છે. આ સાથે અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનનારી નવી સિસ્‍ટમના સંયુક્‍ત પ્રભાવથી હવામાનમાં મોટો પલટો આવશે.

આ બદલાવને કારણે ૩૦ મે થી ૪ જૂન દરમિયાન ઉત્તર ભારતના રાજ્‍યો તેમજ રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને ગુજરાત સહિતના અનેક વિસ્‍તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

ગુજરાતનું હવામાનઃ બે તબક્કામાં વહેંચાયેલી આગાહી-

ગુજરાતમાં ૨૬ મે થી લઈને ૪ જૂન સુધીના હવામાનને બે તબક્કામાં જોવામાં આવી રહ્યું છેઃ ૧. તીવ્ર ગરમીનો તબક્કો (૨૬ થી ૩૦ મે) 

- તાપમાનઃ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્‍દ્રનગર, રાજકોટ સહિત કચ્‍છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્‍તારોમાં તાપમાન ૪૦°C થી ૪૩°C ની રેન્‍જમાં રહેશે. મોરબીમાં પારો ૩૮°C થી ૪૦°C ની વચ્‍ચે રહેવાની ધારણા છે. 

- પવનઃ આ ગાળા દરમિયાન પશ્‍ચિમ

૨. વાતાવરણમાં પલટો અને વરસાદ (૩૧ મે થી ૪ જૂન) 

- પવનમાં ફેરફારઃ૩૧ મેથી પવનની દિશા બદલાઈને દક્ષિણ-પશ્‍ચિમ થશે અને પવનનું જોર ઘટશે. 

- વરસાદની આગાહીઃ અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને રાજસ્‍થાનની સિસ્‍ટમના કારણે મધ્‍ય-પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શકયતા છે. 

- સ્‍થાનિક અસરઃ મોરબી અને રાજકોટના અમુક સીમિત વિસ્‍તારોમાં પણ આ ગાળામાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે, જોકે વરસાદનું મુખ્‍ય જોર ગુજરાતના અન્‍ય ભાગો તરફ વધુ જોવા મળશે.

આગામી ૨૯ તારીખ સુધી ગરમીથી બચવા માટે સાવચેતી રાખવી અત્‍યંત જરૂરી છે, પરંતુ ૩૦-૩૧ તારીખથી શરૂ થનારો વરસાદી માહોલ સમગ્ર રાજ્‍યને ગરમીના ત્રાસમાંથી મુક્‍તિ અપાવશે અને વાતાવરણ ઠંડુંગાર બનશે.

(10:32 AM IST)