તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળમાં નવી ટીમની વરણી : દિપક જાદવ પ્રમુખ અને ભરત ગાંગાણી મહામંત્રી તરીકે બિનહરિફ ચૂંટાયા
રાજ્યભરના માહિતી કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની વર્ષ ૨૦૨૬-૨૭ માટેની નવી કાર્યકારી ટીમની રચના કરવામાં આવતા રાજ્યભરના માહિતી ખાતાના કર્મચારીઓમાં ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ગાંધીનગર ખાતે યોજાયેલી સામાન્ય સભામાં સર્વાનુમતે અને બિનહરિફ રીતે નવી ટીમની પસંદગી કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે દિપક જાદવ અને મહામંત્રી તરીકે ભરત ગાંગાણીની વરણી કરવામાં આવી હતી. બંને હોદ્દેદારોની બિનહરિફ પસંદગી થતા સભામાં ઉપસ્થિત કર્મચારીઓએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
માહિતી ખાતું રાજ્ય સરકારનું એક અગત્યનું અંગ માનવામાં આવે છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, વિકાસકાર્યો, જનકલ્યાણકારી અભિયાનો અને નીતિઓને લોકો સુધી પહોંચાડવામાં માહિતી ખાતાની મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે. આવા સમયે કર્મચારીઓના હિતો, તેમની સમસ્યાઓ, વહીવટી પ્રશ્નો અને સંગઠનાત્મક શક્તિ જાળવવા માટે કર્મચારી મંડળની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. નવી ટીમની રચનાને કારણે કર્મચારીઓમાં નવી આશાઓ અને અપેક્ષાઓ જાગી છે.
ગાંધીનગર ખાતે તા.૦૯-૦૫-૨૦૨૬ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને ઝોનમાંથી માહિતી ખાતાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત સંગઠનના પૂર્વ હોદ્દેદારોના કાર્યની પ્રશંસા સાથે કરવામાં આવી હતી. બાદમાં નવા હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સર્વસંમતિથી પૂર્ણ કરવામાં આવી હોવાનું સભ્યો દ્વારા જણાવાયું હતું.
પ્રમુખ તરીકે વરાયેલા દિપક જાદવ લાંબા સમયથી માહિતી ખાતાના કર્મચારીઓ સાથે જોડાયેલા રહ્યા છે અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. કર્મચારીઓના પ્રશ્નોને વહીવટી તંત્ર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવાની તેમની કાર્યશૈલીને કારણે તેઓ કર્મચારીઓમાં લોકપ્રિય ગણાય છે. તેમની બિનહરિફ પસંદગી એ કર્મચારીઓના વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.
મહામંત્રી તરીકે વરાયેલા ભરત ગાંગાણી પણ માહિતી ખાતાના કર્મચારીઓમાં એક સક્રિય અને કાર્યકુશળ આગેવાન તરીકે જાણીતા છે. કર્મચારીઓના હિતના મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવવાની તેમની કામગીરીને કારણે સંગઠનમાં તેમની મજબૂત છાપ ઉભી થઈ છે. મહામંત્રી તરીકે તેમની પસંદગી બાદ તેમણે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કર્મચારીઓના હકો માટે સક્રિય રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
નવી રચાયેલી કાર્યકારિણીમાં ઉપપ્રમુખ તરીકે વિક્ટર ડામોર, વિપુલ ચૌહાણ, ઉમંગ ચૌધરી અને કૌશિક ગજ્જરની નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો માહિતી ખાતાના વિવિધ વિસ્તારોમાં સક્રિય રીતે કાર્ય કરતા રહ્યા છે અને સંગઠનને મજબૂત બનાવવામાં તેમની નોંધપાત્ર ભૂમિકા રહી છે.
સહમંત્રી તરીકે ફોરમ રાઠોડની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ખજાનચી તરીકે મોતીન્દ્ર ખત્રીની નિમણૂંક કરવામાં આવી હતી. સંગઠનના નાણાકીય વ્યવસ્થાપન અને સંચાલન માટે ખજાનચીની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. ખત્રીની કાર્યકુશળતા અને જવાબદારીપૂર્ણ અભિગમને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત સંગઠનને ઝોનવાઇઝ વધુ મજબૂત બનાવવા માટે અલગ અલગ વિસ્તારો માટે સંગઠન મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી હતી. તેમાં હર્ષદ રૂપાપરા (વડી કચેરી), વિરેન્દ્રસિંહ પરમાર (સૌરાષ્ટ્ર ઝોન), વિશાલ કડિયા (મધ્ય ઝોન), નરેશ પટેલ (દક્ષિણ ઝોન), મિનેશ પટેલ (ઉત્તર ઝોન) અને કૌશિક શીશાંગિયા (જૂનાગઢ ઝોન)નો સમાવેશ થાય છે.
કારોબારી સમિતિમાં પણ વિવિધ જિલ્લાઓ અને વિભાગોના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં જયંતિલાલ ચૌધરી, મહેશ પટેલ, ચૈતાલી પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રિયજીતસિંહ રાજપુત, સરફરાજ બાદી, રૂચા રાવલ, દિપીકા મકવાણા, સેજલ દવે, હિમાંશુ નાયક, અક્ષય દેસાઈ, ભાલચંદ્ર વિઝુંડા, નિતિન રથવી, વિવેક ગોહિલ, દેવરાજસિંહ ચૌહાણ, અરવિંદ ચૌધરી, જયદિપસિંહ ઝાલા, અરૂણા ડાવરા, વૃંદા જોષી અને અવની પટેલની વરણી કરવામાં આવી છે.
સભા દરમિયાન માહિતી ખાતાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં સેવા સંબંધિત મુદ્દાઓ, બઢતી, વહીવટી પ્રક્રિયાઓ, ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ સ્ટાફની અછત અને કર્મચારીઓના કલ્યાણ જેવા મુદ્દાઓ સામેલ હતા.
નવી ટીમે કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે વહીવટી તંત્ર સાથે સકારાત્મક સંવાદ જાળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે તેઓ કોઈપણ કર્મચારીને અન્યાય ન થાય તે માટે સતત પ્રયાસશીલ રહેશે.
ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની નવી ટીમની રચનાને માહિતી ખાતાના કર્મચારીઓ માટે એક નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. સંગઠન દ્વારા આગામી સમયમાં કર્મચારીઓના હિત માટે વધુ અસરકારક અને સુવ્યવસ્થિત કામગીરી કરવામાં આવશે તેવી આશા કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે.,…
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
