<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ભાવનગર મહાનગરપાલિકામાં નવી ટીમ જાહેર: મેયર પદે ઉષાબેન તલરેજા : કિશન મહેતા બન્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

અશોક બારૈયા ડેપ્યુટી મેયર, લાલભા વાળાને દંડકની જવાબદારી: નવનિયુક્ત પદાધિકારીઓ વિકાસ કામોને આપશે વેગ

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૮ :  ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પક્ષના પ્રદેશ સંગઠનની સૂચના મુજબ ઉષાબેન તલરેજાની ભાવનગરના મેયર તરીકે સર્વાનુમતે નિમણૂક કરાઈ છે. તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા અને દંડક તરીકે લાલભા વાળાને જવાબદારી સોંપવામાં આવી છે.  

        નવનિયુક્ત મેયર ઉષાબેન તલરેજાએ પદભાર સંભાળ્યા બાદ જણાવ્યું કે શહેરના પાયાના પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટલાઈટને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા, ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ અને વોર્ડ દીઠ સુવિધા વધારવા પર ભાર મૂકાશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું કે બજેટની ફાળવણી વિકાસલક્ષી કામોમાં પારદર્શિતાથી થાય તે સુનિશ્ચિત કરાશે.  

 નવા હોદ્દેદારોની જાહેરાત બાદ શાસક પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરોએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નવનિયુક્ત પદાધિકારીઓ આગામી અઠવાડિયે વિધિવત રીતે પદભાર સંભાળશે.  

શહેરીજનોમાં આશા છે કે નવી ટીમ ભાવનગરના સર્વાંગી વિકાસ માટે સંકલનથી કામ કરશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરશે.

(11:29 AM IST)