તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
સાવરકુંડલા વોર્ડ નં.૬માં નવી ગટર લાઇન નખાઈ પણ ૪ મહિનાથી કનેકશન નહીં: નાવલી નદીમાં ગંદુ પાણી ઠલવાતા આરોગ્ય પર સંકટ
ઇન્દિરા વસાહત, બીડી કામદાર અને સંત કબીર સોસાયટીના ૩ વિસ્તારનું ગંદુ પાણી સીધું નદીમાં: કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ ચીફ ઓફિસરને ૭ દિવસનું અલ્ટિમેટમ આપ્યું: નહીં તો આંદોલનની ચીમકી

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૧૭: સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વિકાસના નામે હાથ ધરાયેલી કામગીરી નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની છે. વોર્ડ નં.૬ ના નાવલી નદી કાંઠા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખ્યા બાદ પણ છેલ્લા ૪ મહિનાથી ઘરોનું જોડાણ ન અપાતા ગંદુ પાણી સીધું નદીમાં વહી રહ્યું છે.
આ ગંભીર બાબતે વોર્ડના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરીને તાત્કાલિક નિકાલની માંગ કરી છે.
કોર્પોરેટરના જણાવ્યા મુજબ,ઇન્દિરા વસાહત નદી કાંઠા વિસ્તાર, બીડી કામદાર સોસાયટી નદી કાંઠા વિસ્તાર અને સંત કબીર સોસાયટી નદી કાંઠા વિસ્તારમાં અગાઉ જૂની ગટર લાઇનનું જોડાણ હતું.
નગરપાલિકાએ નવી ગટર લાઇન નાખી, પરંતુ કામ પૂર્ણ કરતી વખતે તમામ ઘરોના જૂના કનેકશનો કાપી નાખવામાં આવ્યા. છેલ્લા ૪ મહિનાથી નવી લાઇનમાં જોડાણ ન થતાં તમામ ઘરોનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી ખુલ્લેઆમ નાવલી નદીમાં ઠલવાઈ રહ્યું છે. આ સ્થિતિને કારણે નદી કાંઠે રહેતા સેંકડો લોકોના આરોગ્યને ગંભીર ખતરો સર્જાયો છે. નદીનું પાણી પ્રદૂષિત થવાની સાથે-સાથે મચ્છરજન્ય રોગો અને અન્ય રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી ગઈ છે. ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ બનવાની દહેશત રહેલી છે.
કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે તમામ કપાયેલા કનેકશનોને નવી ગટર લાઇન સાથે જોડવામાં આવે. જો તાત્કાલિક જોડાણ શક્ય ન હોય તો ગંદુ પાણી નદીમાં ન જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
આ સમસ્યાને પ્રાથમિકતા આપી ૭ દિવસમાં નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે ચીફ ઓફિસરને અલ્ટિમેટમ આપ્યું છે. આ બાબતે ઇ-નગર પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તેમણે ચેતવણી આપી છે કે જો સમય મર્યાદામાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો નાગરિકો સાથે મળીને આંદોલન કરવામાં આવશે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
