<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

જામનગર કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરનો બ્રિજ તોડી નવો ફોર લેન બ્રિજ બનાવવા જામનગર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી

આગામી તારીખ ૧૭/૦૪/૨૦૨૬ થી ૧૫/૧૦/૨૦૨૬ સુધી રંગમતી નદી પરનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે: ટુ વ્હીલર અને ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરાયું

જામનગર:જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ અને પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વિકાસાર્થે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની હદમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર હાલમાં જે હયાત રિવર બ્રિજ આવેલો છે, તેને તોડી પાડવાની (ડેમોલિશન) કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જગ્યા પર શહેરીજનોની સુવિધા માટે નવો ભવ્ય 'ફોર લેન રિવર બ્રિજ' બનાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

છ મહિના સુધી વાહન વ્યવહાર બંધ:

મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, આઈએએસ દ્વારા ધ બીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ ૨૩૬ હેઠળ મળેલી સત્તાની રૂએ જાહેર જનતાની સલામતી માટે એક જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. આ બ્રિજની કામગીરી દરમિયાન અકસ્માત નિવારવાના હેતુથી તારીખ ૧૭/૦૪/૨૦૨૬ થી તારીખ ૧૫/૧૦/૨૦૨૬ સુધીના સમયગાળા માટે આ માર્ગ પરનો તમામ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ આ સરકારી હુકમનો ભંગ કરશે તો તેની સામે ધ બીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ ૩૯૨ અનુસાર કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

 

ટુ વ્હીલર અને નાના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા:

રંગમતી નદી ઉપરનો મુખ્ય બ્રિજ બંધ થવાથી ટુ વ્હીલર અને નાના વાહનોના ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે રંગમતી નદીમાં ખાસ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે જે વાહનચાલકો માટે ખુલ્લો રહેશે. નાના વાહનો સર્વિસ રોડથી કલ્યાણ ચોક થઈને અવરજવર કરી શકશે.

 

ભારે વાહનો માટેના ડાયવર્ઝન રૂટ:

ભારે વાહનો માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, જે નીચે મુજબ રહેશે:

  જામનગર કાલાવડ રોડ: આ રોડ પરના ભારે વાહનો નાગનાથ જંક્શનથી સુભાષ બ્રિજ થઈ અન્નપૂર્ણા મંદિર થઈ મહાપ્રભુજી બેઠક રોડ થઈ ઠેબા બાયપાસ જંક્શન તરફ જઈ શકશે.

  મોરકંડા જામનગર રોડ: મોરકંડા રોડની વૈકલ્પિક વ્યવસ્થા મોરકંડા ચોકડીથી ઉપર જણાવેલા રૂટ પ્રમાણે જ ચાલુ રાખવામાં આવશે.

 

આ અંગેની નકલ જાણ સારું કલેક્ટર જામનગર જીલ્લા, એસપી જામનગર, પીઆઈ ટ્રાફિક શાખા, મેનેજર એસટી ડેપો, ૧૦૮ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ અને પ્રમુખ ટ્રાાવેલ્સ એસોસિએશનને રવાના કરવામાં આવી છે જેથી ટ્રાફિક અને અન્ય સેવાઓનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે.

(6:13 PM IST)