તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
જામનગર જિલ્લાના ૫ કેન્દ્રો ખાતે આજે બપોરે ૨:૦૦ વાગ્યાથી નીટ-યુજી (NEET-UG) પરીક્ષાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ આયોજન
કલેક્ટર પી.બી.પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા એસટી બસ સ્ટેન્ડથી ખાસ વાહન સુવિધા : મેડિકલ હેલ્પ અને કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી નીટ-યુજી (NEET-UG) ૨૦૨૬ પરીક્ષા આજે બપોરે ૨:૦૦ વાગ્યાથી જામનગર જિલ્લાના વિવિધ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાનું આયોજન સંપૂર્ણપણે પારદર્શક, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી કાયદાકીય અને વ્યવહારિક વ્યવસ્થાઓ અગાઉથી જ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.
પરીક્ષા શરૂ થવાના નિયત સમય પૂર્વે જ વિદ્યાર્થીઓ કોઈપણ જાતની પરેશાની વગર પોતાના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ એસટી બસ સ્ટેન્ડ ખાતેથી પરીક્ષા કેન્દ્રો સુધી જવા-આવવા માટેની વિશેષ વાહન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બહારગામથી આવતા ઉમેદવારોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ કેન્દ્રો પર સચોટ માર્ગદર્શન વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણી, તાત્કાલિક આરોગ્ય સુવિધા, અવિરત વીજ પુરવઠો તેમજ અન્ય આવશ્યક સેવાઓ તૈનાત કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોના મુખ્ય દ્વાર ખાતે ઉમેદવારોના પ્રવેશ અને સત્તાવાર દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા રાષ્ટ્રીય નિયમો અનુસાર ચુસ્તપણે હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત સરકારી વિભાગો દ્વારા પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાધીને કામગીરી કરવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્તપણે જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.
પરીક્ષાના સમયગાળા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં, ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય નહીં તેમજ તાત્કાલિક આરોગ્ય સેવા તથા અન્ય આવશ્યક સેવાઓ સતત કાર્યરત રહે તે માટે સંબંધિત તમામ વિભાગીય વડાઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર પરીક્ષા પ્રક્રિયાના પળેપળના અહેવાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા તેમજ પરીક્ષાના કડક નિયમોનું પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં પરીક્ષા માટે કુલ પાંચ મુખ્ય કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં વાલસુરા, જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા, કેન્દ્રીય વિદ્યાલય-૧ એરફોર્સ સ્ટેશન-૧, કેન્દ્રીય વિદ્યાલય-૨ જેલ રોડ તથા ડીકેવી કોલેજ ખાતે આજે બપોરે ૨:૦૦ વાગ્યાથી શરૂ કરીને સાંજે ૫:૧૫ વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે, જેને સફળ બનાવવા સમગ્ર તંત્ર સતર્કતાપૂર્વક ફરજ બજાવી રહ્યું છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
