તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
જામનગરની સત્ય સાંઈ વિદ્યાલયમાં નેવી એનસીસીના કેડેટ્સ દ્વારા વાર્ષિક તાલીમ કેમ્પમાં માતૃ દિવસની ભવ્ય ઉજવણી
૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા આયોજિત કેમ્પમાં ૫૫૦ જેટલા કેડેટ્સે લીધો ભાગ : કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહલ રાય દ્વારા કેડેટ્સની લાગણીસભર પ્રસ્તુતિની પ્રશંસા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર :જામનગરમાં ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સત્ય સાંઈ વિદ્યાલય ખાતે વાર્ષિક તાલીમ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કેમ્પમાં જામનગરની વિવિધ શાળાઓ અને કોલેજોના અંદાજે ૫૫૦ જેટલા એનસીસી કેડેટ્સ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. કેમ્પ દરમિયાન કેડેટ્સને શિસ્ત અને રાષ્ટ્રસેવાના પાઠ ભણાવતી વિવિધ રસપ્રદ તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમ કેમ્પના ભાગરૂપે આજે 'માતૃ દિવસ'ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેડેટ્સ દ્વારા પોતાની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરી માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ ચિત્રોના માધ્યમથી કેડેટ્સે માતૃત્વનો મહિમા વર્ણવ્યો હતો અને પોતાની માતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. માતૃ વંદનાના આ કાર્યક્રમમાં તમામ કેડેટ્સ ભાવવિભોર બન્યા હતા.
આ પ્રસંગે ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહલ રાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેડેટ્સ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજન અને તેમની લાગણીસભર કલાકૃતિઓને ખુબ જ બિરદાવી હતી. કમાન્ડર સ્નેહલ રાયે કેડેટ્સના આ સરાહનીય પ્રયાસોની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ, શિસ્તબદ્ધ તાલીમની સાથે સંસ્કારોનું સિંચન કરતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
