<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સત્ય સાઈ સ્કૂલ ખાતે નેવલ NCC કેમ્પ દરમિયાન સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો, 400થી વધુ કેડેટ્સને ઓનલાઈન ગેમિંગ, ડિજિટલ એરેસ્ટ અને સોશિયલ મીડિયા સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન

રાજકોટ રેન્જ IG નિર્લીપ્ત રાયની સૂચનાથી SP ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં PSI એચ.કે. ઝાલાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી સાયબર ક્રાઈમના પ્રકારો સમજાવ્યા, મહિલાઓની ઓનલાઈન સુરક્ષા અને હેલ્પલાઈન 1930 વિશે અપાઈ ખાસ માહિતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 7 : જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સાયબર જાગૃકતા દિવસના ઉપલક્ષમાં સત્ય સાઈ સ્કૂલ, જામનગર ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નેવલ એનસીસી કેમ્પ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 400થી વધુ એન.સી.સી. કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજકોટ રેન્જના આઇ.જી.પી. નિર્લીપ્ત રાય દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન જિલ્લામાં નિયમિત સાયબર જાગૃતિ સેમિનારો યોજવાની આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આઇ.એ. ઘાસુરાની દેખરેખમાં સેમિનાર યોજાયો હતો

કાર્યક્રમની શરૂઆતમાં સ્વતંત્ર ભારતના શિલ્પકાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન અંગે વિડીયો ફિલ્મ દ્વારા કેડેટ્સને માહિતગાર કરવામાં આવ્યા હતા

ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.કે. ઝાલા દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ઓનલાઈન ગેમિંગના દૂષણો, ડિજિટલ એરેસ્ટ, બનાવટી શોપિંગ વેબસાઈટ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન અને મજબૂત પાસવર્ડ બનાવવાની રીત અંગે વિસ્તૃત સમજાવવામાં આવ્યું હતુ

આ ઉપરાંત મહિલાઓ માટે ઓનલાઈન સુરક્ષા અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાયબર ફ્રોડનો ભોગ બનનારાઓ માટે સાયબર હેલ્પલાઈન નંબર 1930 વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 

કાર્યક્રમના અંતે તમામ કેડેટ્સને સાયબર સિક્યુરિટી અંગે જાગૃત રહીને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમની વધતી ઘટનાઓ વચ્ચે આવા જાગૃતિ સેમિનાર વિદ્યાર્થીઓ અને યુવાનોને સુરક્ષિત ડિજિટલ વ્યવહાર માટે માર્ગદર્શક બની રહેશે.

(9:34 AM IST)