<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

કુદરત રૂઠી અને પવન ફૂંકાયો! કચ્છના નખત્રાણા પંથક પર આકાશી આફતનો બેવડો માર, જળાશયો સુકાતાં પાક બચાવવા લાખોના ખર્ચે બોર ઊંડા ઉતારવા ખેડૂતો મજબૂર

જીવાદોરી સમાન ભૂખી ડેમ તળિયાંઝાટક થતાં ભૂગર્ભ જળસ્તર પાતાળે પહોંચ્યા: તોફાની પવન અને ધૂળની ડમરીઓએ કપાસ-મગફળીનો પાક વેરવિખેર કર્યો, જગતનો તાત ઘેરી ચિંતામાં

ભુજ : પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકના વિથોણ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં કુદરતે જાણે કટોકટીની પરીક્ષા શરૂ કરી છે. મેઘરાજાની લાંબી ખેંચ અને ચોમાસાના વિલંબના કારણે આ પંથકમાં ખેતી અને પશુપાલન પર ભારે સંકટના વાદળો ઘેરાયા છે. પંથકના સાંગનારા, બેરૂ અને મોસુણા સહિતના વિસ્તારોના તમામ નાના-મોટા ડેમ તેમજ સીમના તળાવો સંપૂર્ણપણે સુકાઈને તળિયાંઝાટક બની ગયા છે. આ પરિસ્થિતિને કારણે વગડામાં રખડતા પશુધનને પીવા માટે પાણીનું એક ટીપું પણ રહ્યું નથી. જળાશયો સુકાઈ જતાં ભૂગર્ભ જળના સ્તર પણ ચિંતાજનક રીતે પાતાળે પહોંચી ગયા છે, જેના લીધે ધરતીપુત્રો બેવડી મુશ્કેલીમાં મુકાયા છે.

વિથોણ પંથકની ખેતીની સાચી જીવાદોરી ગણાતો મુખ્ય 'ભૂખી ડેમ' અત્યારે રણ સમાન બની ગયો છે. ડેમ ખાલીખમ થઈ જતાં આજુબાજુની વાડીઓના કૂવા અને બોરવેલના પાણી અસાધારણ રીતે ઊંડા ઉતરી ગયા છે. આવી કાળઝાળ સ્થિતિમાં વાવેલા પાકને બચાવવા માટે પિયત કરવું અનિવાર્ય બન્યું છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાના અણધાર્યા આર્થિક બોજ સાથે બોરવેલની મોટરો વધુ ઊંડાણમાં ઉતારવાની કટોકટીભરી ફરજ પડી રહી છે. ચોમાસાની સીઝનના ખરે ટાંકણે જ પાણીના સ્ત્રોતો ખૂટી પડતાં અને આકાશમાં વરસાદના કોઈ જ સંકેતો ન દેખાતા જગતનો તાત ઘેરી ચિંતામાં ડૂબ્યો છે.

આકાશી આફત વચ્ચે પાછલા ચાર દિવસથી સુસવાટા મારતા તોફાની પવન અને ધૂળની ડમરીઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. પવનના પ્રચંડ વેગના કારણે કપાસ અને મગફળીના કુમળા છોડવાઓના પાન તૂટીને ખરી પડ્યા છે, જેના લીધે અનેક વાડીઓમાં પાક સંપૂર્ણ નિષ્ફળ જતાં ખેડૂતોને ફરીથી મોંઘા બિયારણો લાવીને 'ફેર વાવેતર' કરવાની નોબત આવી છે.

સાંગનારા, મોસુણા, બેરૂ અને રામપર વિસ્તારના ખેડૂતો અત્યારે કુદરતના અજીબોગરીબ પ્રકોપનો સામનો કરી રહ્યા છે. અહીંના એક વ્યથિત ખેડૂત માવજીભાઈએ પોતાની પીડા ઠાલવતા જણાવ્યું હતું કે, "સતત ફૂંકાતી ધૂળની ડમરીઓના કારણે પાકના છોડ પર અને આખી વાડીઓમાં ધૂળના જાડા થર જામી ગયા છે, જેનાથી પાકનો વિકાસ રૂંધાઈ જશે." આ ભારે પવનના લીધે ગ્રામીણ વિસ્તારોમાં માર્ગો પર મોટા વૃક્ષોની ડાળીઓ તૂટી પડી છે, જ્યારે અંતરિયાળ વાડી વિસ્તારોમાં આવેલા કાચા મકાનો અને રેસિડેન્શિયલ કેબિનોના પતરાં-છાપરાં હવામાં ઊડી ગયા છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવન અને ધૂળના કારણે સામાન્ય જનજીવન પર પણ ખૂબ જ માઠી અસર વર્તાઈ રહી છે અને આખો પંથક હવે મેઘરાજાના આગમનની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે.

(7:19 PM IST)