તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 'શૌર્યભૂમિ' ધંધુકામા 'ગાંધી વંદના'
ખમા ! ખમા ! લખવાર....' મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતી અવસરે... : આઝાદીની લડત વેળાએ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા'તા

રાજકોટ તા.૭: મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતી અવસરે ગાંધી વંદના અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય (ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ) ખાતે મેઘાણી સ્મૃતિમાં સ્થાપિત મનોરમ્ય ગાંધી-પ્રતિમાને પુષ્પાંજાલિ અર્પણ કરવામાં આવી હતી. ૧૯૩૭માં ગાંધીજીના જન્મદિવસે ઝવેરચંદ મેઘાણીએ ત્રણ પંકિતના દુહા રચેલા ખમા ! ખમા ! લખવાર. આથી આનું સવિશેષ મહત્વ રહ્યું હતું.
ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારૃલબેન આડેસરા તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત ભાજપ અમદાવાદ જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ ચૌહાણ અને મંત્રી માધવીબેન દિક્ષીત, અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ ઠાકોર, ભાજપ ધંધુકા શહેર પ્રમુખ નેહલભાઈ શાહ અને ઉપપ્રમુખ હેમલભાઈ જોધાણી, ભાજપ ધંધુકા તાલુકા મહામંત્રી સંદીપભાઈ ચૌહાણ, ભાજપ અમદાવાદ જિલ્લા આઈ.ટી. સેલ સહ-કન્વીનર જયભાઈ સોમાણી, કિરણભાઈ પરમાર, દયારામભાઈ ડાભી, બાબુભાઈ ગમારા, અશોકભાઈ દિક્ષીત, જયદીપભાઈ સરોલા તથા વાલજીભાઈ પિત્રોડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
નવી પેઢીમાં રાષ્ટ્રભાવના તથા ગાંધી-મૂલ્યો-વિચારોના સંસ્કાર-સિચન માટે સવિશેષ કાર્યરત પિનાકી મેઘાણી દ્વારા ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા તથા કર્મભૂમિ રાણપુર ખાતે ગાંધી-પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ખ્યાતનામ શિલ્પકારો મયુરભાઈ વાકાણી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવઝન સિરિયલના સુંદરલાલ), આંનદભાઈ ટીકે અને હેમાલીબેન વાકાણી દ્વારા આ ગાંધી-પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આઝાદીની લડત વેળાએ ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં ૧૫ શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિધુડોમાંથી દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણીને બે વર્ષના કારાવાસની સજા ફરમાવાઈ અને તેઓને સાબરમતી જેલમાં રખાયા હતા. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. મહાત્મા ગાંધીએ વાઇસરોયને ખાસ પત્ર લખીને ધ્યાન દોર્યુ હતું ૅં ગુનો કર્યાનું કહેવાય છે તે સમયે તો કવિ રાણપુરમાં પોતાને ઘર ઘસઘસાટ ઊંઘતા હતા. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત આ ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ અને તેના પરિસરનો ભવ્ય સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.
આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
