તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
કચ્છના ગાગોદરની નર્મદા કેનાલના સફાઈ-સમારકામના અભાવે ખસ્તાહાલ; રવિ પાકને પાણી નહીં મળે તો ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી
લોકોનો આક્ષેપ વારંવાર કેનાલ તૂટે છે, સમારકામના બીલો બને છે અને કામ કાગળ ઉપર થાય છે, કેનાલની દયનીય હાલતથી ખેડૂતોને પાકની ચિંતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : કચ્છના રાપર તા.ના ગાગોદર બ્રાન્ચ કેનાલમાં બાવળ, કચરો અને માટી ભરાઈ જતાં તેમજ માઇનોર-સબમાઇનોર કેનાલો અને પાઇપલાઇનો તૂટેલી હાલતમાં હોવાથી સમગ્ર તાલુકાના ખેડૂતો ચિંતિત બન્યા છે. રવિ વાવેતર નજીક હોવા છતાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાયેલી છે. મોમાયમોરા, સણવા, સુખપર, આડેસર, પ્લાસવા અને કાનમેર સહિતની ડિસ્ટ્રીબ્યુટરીઓમાં પાણી પહોંચતું ન હોવાથી ખેડૂતોને પોતાના ખર્ચે ડીઝલ એન્જિનથી સિંચાઈ કરવી પડે છે. સણવા પાસે વારંવાર કેનાલ તૂટતી હોવા છતાં એસ્કેપ બનાવવાની માંગ પર કાર્યવાહી થઈ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે સફાઈ-સમારકામનાં બિલ બને છે, પરંતુ સ્થળ પર કામગીરી થતી નથી.
ખેડૂતોએ નર્મદા નિગમને તાત્કાલિક કેનાલોની સફાઈ, તૂટેલા ભાગો અને પાઇપલાઇનોનું સમારકામ, ગેટ પર વાલ્વમેનની નિમણૂક તથા સણવા પાસે એસ્કેપ બનાવવાની માંગ કરી છે. સમયસર કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
