તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
આ..લે…લે…ધ્રાંગધ્રા સ્ટેશને નમો ભારત રેપિડ રેલના દરવાજા ન ખુલતાં મુસાફરો વિરમગામ પહોંચ્યા !!
ભુજ થી અમદાવાદ જતી ટ્રેન નંબર 94802માં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરો અટવાયા, ઇમરજન્સી બટન દબાવવા છતાંય ન ટ્રેન ઉભી ન મદદ મળી, મેન્યુઅલી દરવાજા ખોલવાનો પ્રયાસ પણ નિષ્ફળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ : ભુજથી અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલમાં ગઈકાલે ૧૬ નવેમ્બરના રોજ ગંભીર ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રેન ધ્રાંગધ્રા રેલવે સ્ટેશને આવીને ઊભી રહી હતી. ત્યારે આ ટ્રેનના કોચ નંબર C6, C7 અને C8ના ઓટોમેટિક દરવાજા ટેકનિકલ ખામીને કારણે ખુલ્યા નહોતા. પરિણામે આ ત્રણ કોચમાં મુસાફરી કરી રહેલા આશરે ૧૫ મુસાફરો ધ્રાંગધ્રા સ્ટેશને ઉતરી શક્યા નહોતા અને ટ્રેન ઉપડી જતાં તેમને મજબૂરીવશ વિરમગામ સુધી મુસાફરી કરવી પડી હતી. ધ્રાંગધ્રા સ્ટેશને દરવાજા ન ખૂલતાં મુસાફરોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરોએ દરવાજા ખોલાવવા અને ટ્રેન રોકાવવા માટે ઇમરજન્સી બટન ત્રણ વખત દબાવ્યું હતું. જોકે, મુસાફરોના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી બટન દબાવવા છતાં રેલવે સ્ટાફ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો અને ટ્રેન આગળ રવાના થઈ ગઈ હતી. આ ઘટનામાં વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે ટ્રેન વિરમગામ સ્ટેશને પહોંચી ત્યારે પણ C6 કોચનો દરવાજો ખુલ્યો નહોતો. આથી મુસાફરોએ અન્ય કોચમાં જઈને ટ્રેનમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. દરવાજો ખોલવા માટે ચાવી વડે મેન્યુઅલ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં પણ સફળતા મળી નહોતી. સુરેન્દ્રનગરના મુસાફર રાજીવ ગોરેએ આ સમગ્ર ઘટના અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ પરિવારના ચાર સભ્યો સાથે ગાંધીધામથી ધ્રાંગધ્રા જવા નીકળ્યા હતા. ૧૭૪ કિલોમીટરની આ મુસાફરી માટે તેમણે કુલ ૨૨૫ રૂ. ભાડું ચૂકવ્યું હતું. પરંતુ ધ્રાંગધ્રા સ્ટેશને ટ્રેનના દરવાજા ન ખૂલતાં તેઓ ઉતરી શક્યા નહોતા. તેમની સાથે અન્ય મળી કુલ ૧૫ મુસાફરો આ મુશ્કેલીમાં મુકાયા હતા, જેમાં સુરેન્દ્રનગરના ચાર અને ધ્રાંગધ્રાના આશરે ૧૦ મુસાફરોનો સમાવેશ થતો હતો. વિરમગામ પહોંચ્યા બાદ તેમણે રેલવે અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યાં અલોકભાઈ નામના કર્મચારીએ ચાવી વડે દરવાજો મેન્યુઅલી ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં દરવાજો ખુલ્યો નહોતો. મુસાફરોએ વિરમગામ રેલવે સ્ટેશન પર આ સમગ્ર ઘટનાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, તેમના આક્ષેપ મુજબ શરૂઆતમાં રેલવે તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો અને તેમને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. આ પરિસ્થિતિને કારણે ધ્રાંગધ્રા જવાના કેટલાક મુસાફરો પોતાની રીતે જ રવાના થઈ ગયા હતા. આ અંગે વિરમગામ રેલવે સ્ટેશનના એસએસ અધિકારી મહેન્દ્ર મીણાએ જણાવ્યું હતું કે, ધ્રાંગધ્રા સ્ટેશને દરવાજા ન ખૂલવાને કારણે કેટલાક મુસાફરો ત્યાં ઉતરી શક્યા નહોતા અને તેમને વિરમગામ સુધી આવવું પડ્યું હતું. વિરમગામથી ટ્રેન રવાના થયા બાદ મુસાફરોએ તેમની ફરિયાદ રજૂ કરી હતી. આ સમગ્ર મામલે ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ઉપરાંત, વિરમગામ ખાતે ઉતરેલા મુસાફરોને સુરેન્દ્રનગર પરત મોકલવા માટે ઇન્ટરસિટી ટ્રેન મારફતે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ રેલવેની ઓટોમેટિક ડોર સિસ્ટમ, ઇમરજન્સી બટન અને મુસાફરોની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને તેમના નિર્ધારિત સ્ટેશને સુરક્ષિત રીતે ઉતરવાની સુવિધા મળવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને ઇમરજન્સી બટન દબાવવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાના આક્ષેપ ગંભીર છે. હવે જોવાનું એ રહેશે કે રેલવે વિભાગ આ ટેકનિકલ ખામી અંગે તપાસ કરીને જવાબદારી નક્કી કરે છે કે નહીં અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લે છે કે નહીં.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
