News of Thursday, 1st October 2026
ભાવનગરના સિહોરના રાજપરા ગામના નિવૃત્ત પોસ્ટમેન સાથે જૂના સિક્કા વેચવાના નામે ઠગાઈ :સાયબર ઠગોએ ₹23 લાખ પડાવ્યા
ફેસબુક રીલ્સની જાહેરાતથી સંપર્ક કર્યા બાદ ₹1 કરોડ મળવાની લાલચ આપી રજિસ્ટ્રેશન, પ્રોસેસિંગ અને અન્ય ચાર્જના બહાને કટકે-કટકે કુલ ₹23 લાખ પડાવ્યા:સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ભાવનગર જિલ્લામાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિહોર તાલુકાના રાજપરા ગામમાં રહેતા 70 વર્ષીય નિવૃત્ત પોસ્ટમેનને જૂના સિક્કા વેચીને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. ફેસબુક રીલ્સમાં આવેલી જાહેરાતના આધારે સંપર્કમાં આવેલા સાયબર ઠગોએ વૃદ્ધને પોતાની જાળમાં ફસાવી લાખોનો ચૂનો લગાવ્યો છે.
ઠગોએ વૃદ્ધને જૂના સિક્કા વેચવાથી તેમને અંદાજે ₹1 કરોડ સુધીની રકમ મળી શકે તેવી લાલચ આપી હતી. શરૂઆતમાં સમગ્ર પ્રક્રિયા વિશ્વસનીય લાગે તે રીતે વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ સિક્કાના વેચાણ અને રકમ મેળવવા માટે વિવિધ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની હોવાનું કહીને વૃદ્ધ પાસેથી નાણાં માગવામાં આવ્યા હતા.
સાયબર ઠગોએ એક જ વખતમાં મોટી રકમ માગવાને બદલે અલગ-અલગ બહાના કાઢીને કટકે-કટકે નાણાં પડાવ્યા હતા. રજિસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ સહિતના વિવિધ ખર્ચના નામે વૃદ્ધ પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. દરેક વખતે અલગ પ્રક્રિયા બતાવી વધુ નાણાં ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું.
આ સમગ્ર ઠગાઈમાં સવિતા સહિતના શખ્સોએ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત Google Pay મારફતે પણ અનેક વ્યવહારો કરાવવામાં આવ્યા હતા. વિશ્વાસમાં આવેલા નિવૃત્ત પોસ્ટમેને અલગ-અલગ તબક્કે કુલ આશરે ₹23 લાખ ગુમાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટના અંગે નિવૃત્ત પોસ્ટમેને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ, Google Pay ટ્રાન્ઝેક્શન અને આરોપીઓ સાથે થયેલા સંપર્કની વિગતોના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
