News of Friday, 17th July 2026
લીલીયા પાસે પુરમાં તણાતા નાલંદા સ્કૂલના સંચાલકનું મોત
શાળાએ જવા બાઇકમાં નીકળ્યા બાદ વોંકળામાં અચાનક પુર આવતા જગદીશ રંગપરા તણાઇ ગયાઃ પ્રિન્સીપાલનો આબાદ બચાવ

તસ્વીરાં મૃતકનો મૃતદેહ તથા ફાઇલ ફોટો
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૭: અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ પાસે વોંકળામાં પુરના પ્રવાહમાં તણાઇ જતા ભોરીંગડા ગામની નાલંદા સ્કૂલના સંચાલક જગદીશભાઇ રંગપરાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે બાઇકમાં તેની સાથે રહેલા નાલંદા શાળાના પ્રિન્સીપાલનો આબાદ બચાવ થયો છે.
અમરેલી જિલ્લામાં કાલે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થતા અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અચાનક અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. લીલીયાના ક્રા+કચ નજીક આવેલા બાવળો ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદીના વોંકળામાં અચાનક પુર આવ્યું હતું. આ દરમિયાન ભોરીંગડા સ્થિત નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા પાણીના તેજ પ્રવાહમાં તણાઇ જતા તેમનું મૃત્યુ નીપજયું હતુ જયારે તેમની સાથે રહેલા શાળાના પ્રિન્સિપાલનો બચાવ થયો હતો.
નાલંદા શાળા- ભોરીંગડાના સંચાલક જગદીશ રંગપરા બાઇક લઇને સ્કૂલ તરફ આવી રહ્યા હતા. ત્યારે વોંકળામાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. ભારે પાણીના પ્રવાહના કારણે તેઓ બાઇક સહિત પાણીમાં તણાઇ ગયા હતા. પાણીના પ્રવાહ તેમને અને બાઇકને અંદાજે એક કિલોમીટર જેટલા અંતર સુધી ખેંચી ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરાતા તમેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનામાં બાઇક પર સાથે રહેલા નાલંદા સ્કૂલના પ્રિન્સીપાલનો સદ્ભાગ્યે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. અચાનક આવેલા પૂરના કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મૃતક જગદીશ રંગપરાના મૃતદેહને લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અચાનક આવેલા પૂરના કારણે બનેલી આ ઘટનાએ સમગ્ર લીલીયા પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદી-નાળા અને વોંકળાઓમાં પાણીનો પ્રવાહ વધી જતા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઇ છે. (૩.૭)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
