<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

‘‘નભઃ સ્‍પૃશં દીપ્તમ્‌'' આકાશની સરહદોના અડીખમ રક્ષક ભારતીય વાયુસેનાની ૯૪ વર્ષની શૌર્ય, શક્‍તિ અને સમર્પણની ગૌરવગાથા

આજે ૮ ઓક્‍ટોબરઃ ભારતીય વાયુસેના દિવસ જ્‍યાં આકાશની સરહદ પૂરી થાય, ત્‍યાંથી શરૂ થાય ભારતીય વાયુસેનાની શૌર્યગાથા ગર્જતા વિમાનો, અડગ હિંમત અને અવિરત રાષ્ટ્રસેવા આકાશ પર ભારતનો અડીખમ પહેરોઃ રાફેલથી તેજસ સુધી, શૌર્યથી સ્‍વદેશી શક્‍તિ સુધી ભારતીય વાયુસેના

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ આજે ૮ મી ઓક્‍ટોબર એટલે ભારતીય વાયુસેના દિવસ, ભારત આજે ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કરી રહ્યું છે, દેશની હવાઈ સુરક્ષા, યુદ્ધ ક્ષમતા, ટેકનોલોજી અને માનવતાવાદી કામગીરીમાં ભારતીય વાયુસેનાએ છેલ્‍લા નવ દાયકામાં મહત્‍વપૂર્ણ સ્‍થાન બનાવ્‍યું છે.

૮ ઓક્‍ટોબર ૧૯૩૨ના રોજ ભારતીય વાયુસેનાની સ્‍થાપના થઈ હતી, એટલે ૨૦૨૬ માં ભારતીય વાયુસેના પોતાના ૯૪ મા સ્‍થાપના દિવસની ઉજવણી કરી રહી છે.

નાનકડી શરૂઆતથી શક્‍તિશાળી વાયુસેના સુધી

ભારતીય વાયુસેનાની શરૂઆત એક નાના દળ તરીકે થઈ હતી ,  ૧ એપ્રિલ ૧૯૩૩ ના રોજ તેની પ્રથમ કામગીરી ની ઉડાન થઈ હતી, તે સમયે માત્ર થોડા અધિકારીઓ અને વાયુસૈનિકો તથા મર્યાદિત સંખ્‍યામાં વિમાનો સાથે શરૂઆત થઈ હતી , કરાચી ના ડિગ રોડ ખાતે તેની શરૂઆતની કામગીરીનું કેન્‍દ્ર બનાવવામાં આવ્‍યું હતું , આ નાનકડી શરૂઆત આગળ જતાં વિશાળ અને આધુનિક હવાઈ શક્‍તિમાં પરિવર્તિત થઈર્.ં

દેશની હવાઈ સુરક્ષામાં મહત્‍વની ભૂમિકા

ભારતીય વાયુસેનાનું મુખ્‍ય કાર્ય દેશના આકાશની સુરક્ષા કરવાનું છે. દુશ્‍મનના હવાઈ હુમલાનો સામનો કરવો, હવાઈ પ્રભુત્‍વ જાળવવું, જમીની સેનાને હવાઈ સહાય પૂરી પાડવી, સૈનિકો અને સામગ્રીનું ઝડપી પરિવહન કરવું તથા જરૂરિયાત સમયે બચાવ અને રાહત કામગીરી કરવીઆ વાયુસેનાની મહત્‍વપૂર્ણ જવાબદારીઓ છે.

ભારતીય વાયુસેના માત્ર યુદ્ધકાળમાં જ નહીં પરંતુ પૂર, ભૂકંપ, ચક્રવાત અને અન્‍ય કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત અને બચાવ કામગીરીમાં પણ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ૨૦૨૬માં પણ વાયુસેનાએ દેશની અંદર તથા વિદેશમાં વિવિધ બચાવ કામગીરીમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું છે. યુદ્ધોથી લઈને આધુનિક યુદ્ધક્ષેત્ર સુધી

ભારતીય વાયુસેનાએ સ્‍વતંત્રતા પછીના વિવિધ સંઘર્ષોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. ખાસ કરીને ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધો દરમિયાન વાયુસેનાની કામગીરી નોંધપાત્ર રહી હતી.

૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન ‘ઓપરેશન સફેદ સાગર' અંતર્ગત ભારતીય વાયુસેનાએ ઊંચાઈવાળા અને અત્‍યંત મુશ્‍કેલ ભૌગોલિક વિસ્‍તારમાં હવાઈ હુમલા અને સૈન્‍ય સહાય પૂરી પાડી હતી. મિરાજ અને મિગ વિમાનોએ મહત્‍વપૂર્ણ કામગીરી કરી હતી.

આજે રાફેલથી તેજસ સુધી

આજની ભારતીય વાયુસેના આધુનિક લડાકુ વિમાનો, પરિવહન વિમાનો, હેલિકોપ્‍ટરો, રડાર અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓથી સજ્જ છે , તેમાં રાફેલ, સુખોઈ-૩૦ એમકેઆઈ, મિરાજ-૨૦૦૦, મિગ-૨૯ અને સ્‍વદેશી તેજસ જેવા લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે.

૨૦૨૬ના વાયુશક્‍તિ-૨૬ અભ્‍યાસમાં રાફેલ, સુખોઈ-૩૦ એમકેઆઈ, મિરાજ-૨૦૦૦, મિગ-૨૯, જગુઆર સહિત ૧૩૦થી વધુ વિમાનોએ દિવસ અને રાત્રિના તબક્કામાં ભાગ લીધો હતો. આ અભ્‍યાસમાં આકાશ અને સ્‍પાયડર જેવી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું પણ પ્રદર્શન થયું હતું.

 ડ્રોન અને નવી ટેકનોલોજી પર ભાર

આધુનિક યુદ્ધમાં ડ્રોન અને માનવરહિત હવાઈ પ્રણાલીઓનું મહત્‍વ ઝડપથી વધી રહ્યું છે. ભારતીય વાયુસેનાએ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬માં ડ્રોનાથોન-૨૦૨૬નું આયોજન કરીને ભારતીય કંપનીઓ, સ્‍ટાર્ટઅપ્‍સ અને સંશોધકોની માનવરહિત ટેકનોલોજીનું વાસ્‍તવિક પરિસ્‍થિતિમાં પરીક્ષણ કર્યું હતું, આમાં સર્વેલન્‍સ, સ્‍વાયત્ત કામગીરી, સ્‍વોર્મ ટેકનોલોજી, ઇલેક્‍ટ્રોનિક યુદ્ધ અને ડ્રોન વિરોધી પ્રણાલીઓ જેવી ક્ષમતાઓનું પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

આંતરરાષ્ટ્રીય સહકારનું પણ વધતું મહત્‍વ

ભારતીય વાયુસેના હવે માત્ર પોતાના દેશની કામગીરી પૂરતી મર્યાદિત નથી,  વિવિધ દેશોની વાયુસેના સાથે સંયુક્‍ત અભ્‍યાસો દ્વારા તાલમેલ અને પરસ્‍પર કામગીરીની ક્ષમતા વધારવામાં આવી રહી છે.

હાલમાં ચાલી રહેલા તરંગ શક્‍તિ-૨૦૨૬ બહુરાષ્ટ્રીય હવાઈ અભ્‍યાસમાં ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા, સંયુક્‍ત આરબ અમીરાત, ફ્રાન્‍સ, જર્મની, શ્રીલંકા અને બાંગ્‍લાદેશ સહિતના દેશો ભાગ લઈ રહ્યા છે. આ અભ્‍યાસનો ઉદ્દેશ વિવિધ વાયુસેનાઓ વચ્‍ચે સહકાર અને સંયુક્‍ત કામગીરીની ક્ષમતા વધારવાનો છે.  ભારતીય વાયુસેનામાં મહિલાઓની વધતી ભૂમિકા ભારતીય વાયુસેના માં મહિલાઓની ભાગીદારી પણ સતત વધી રહી છે , જૂન ૨૦૨૬માં એરફોર્સ એકેડેમીમાંથી કમિશન થયેલા ૨૩૧ ફલાઇટ કેડેટ્‍સમાં ૩૭ મહિલાઓ હતી ,  તેમાં નેશનલ ડિફેન્‍સ એકેડેમીની પ્રથમ મહિલા કેડેટ્‍સની બેચનો પણ સમાવેશ થયો હતો.

 ‘સૂર્યકિરણ'ની ગૌરવપૂર્ણ ઓળખ

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ પણ દેશની ઓળખ બની ગઈ છે ,  ૧૯૯૬ માં રચાયેલી આ ટીમે ૨૦૨૬ માં પોતાના ૩૦ વર્ષ પૂર્ણ કર્યા,  અત્‍યાર સુધી માં તેણે ભારત અને વિદેશ માં ૮૦૦ થી વધુ એર ડિસ્‍પ્‍લે કર્યા છે.

વાયુ યોદ્ધાઓને દેશની સલામ

ભારતીય વાયુસેના દિવસ માત્ર વિમાનો અને એર શોનો દિવસ નથી , આ દિવસ દેશની હવાઈ સરહદોની રક્ષા કરતા વાયુ યોદ્ધાઓ, અધિકારીઓ, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના શૌર્ય અને સમર્પણને યાદ કરવાનો પ્રસંગ છે.

૨૦૨૫ ના ૯૩ મા વાયુસેના દિવસ દરમિયાન હિન્‍ડન એરફોર્સ સ્‍ટેશન ખાતે યોજાયેલી પરેડમાં વાયુ યોદ્ધાઓને કુલ ૯૭ મેડલ અને ૬ યુનિટ પ્રશસ્‍તિ આપવામાં આવી હતી , તે પ્રસંગે ભારતીય વાયુસેનાની લાંબી સફર અને આધુનિક યુદ્ધક્ષમતાને પણ ઉજાગર કરવામાં આવી હતી.

 ‘‘નભઃ સ્‍પૃશં દીપ્તમ્‌'' ભારતીય વાયુસેનાનું સૂત્ર છે

‘‘નભઃ સ્‍પૃશં દીપ્તમ્‌''  ‘‘ગૌરવ સાથે આકાશને સ્‍પર્શો , આ સૂત્ર ભારતીય વાયુસેના ની ભાવના દર્શાવે છેઆકાશની સુરક્ષા, રાષ્ટ્રની સેવા અને જરૂર પડે ત્‍યારે દેશ માટે સર્વોચ્‍ચ બલિદાન.

૮ ઓક્‍ટોબર ૨૦૨૬ ના ૯૪ મા ભારતીય વાયુસેના દિવસ નિમિત્તે દેશના તમામ વાયુ યોદ્ધાઓ, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને રાષ્ટ્રની સલામ. (૪૦.૩૦)

ભારત માતા કી જય...

(11:50 AM IST)