તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
બાબરાના કરીયાણા ગામે યુવકની હત્યાનો ભેદ ખુલ્યોઃ સુરાપુરાની ખાંભીઓ ઉખેડવાના વિવાદમાં સાળા-ભાણેજ સહિત નવ સામે ફરિયાદ
સમાધાનના બહાને બોલાવી ધારદાર હથિયારોથી હુમલો કર્યાનો આક્ષેપ, પોલીસની ઢીલાશ અંગે પણ ઉઠયા સવાલ

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૯: બાબરા તાલુકાના કરીયાણા ગામની સીમમાં થયેલી યુવાનની કરૂણ હત્યાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૂળ ફૂલઝર (તા. વીંછીયા)ના અને હાલ રંગપર (તા. મોરબી) ખાતે રહેતા દેવીપુજક યુવાન ભરતભાઈ વલ્લભભાઈ ઉગરેજીયા (ઉ.વ. ૨૫)ની હત્યા મામલે મળતકની પત્ની આશાબેન ભરતભાઈ ઉગરેજીયાએ બાબરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આશાબેનના પિયર પક્ષના જીલીયા પરિવારની સુરાપુરાની ખાંભીઓ સુકવાળા ગામેથી કોઈક દ્વારા ઉખેડી ફેંકવામાં આવી હતી. આ બનાવ અંગેની શંકા મળતક ભરતભાઈ ઉપર રાખવામાં આવી હતી. આ મુદ્દે અગાઉ પણ મળતકને ધમકીઓ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
ફરિયાદમાં કિરણ મનુ જીલીયા, જગદીશ મુકેશ જીલીયા, મહેશ ભનુ જીલીયા, પરેશ મુકેશ જીલીયા, રોહિત ધીરૂ જીલીયા, મયુર ભનુ જીલીયા સહિત ત્રણ અજાણ્યા શખ્સો મળી કુલ નવ લોકો સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ સમાધાન માટે બાબરા બોલાવી મળતકની કાર આંતરી હતી અને સુરાપુરાની ખાંભીઓ ઉખેડવાના મામલે રોષ રાખી ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાસી છૂટયાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
બાબરા શહેરમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, સુરાપુરાની ખાંભીઓ ઉખેડી નાખવાના મુદ્દે જીલીયા પરિવારના મોટી સંખ્યામાં લોકો અગાઉ પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ખાંભીઓ પણ કબ્જે લઈ પોલીસ મથકે લાવવામાં આવી હતી. જોકે, ધાર્મિક લાગણી સાથે જોડાયેલા આ મુદ્દે લોકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ છતાં યોગ્ય પગલાં લેવામાં ઢીલ રાખવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સમયસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોત તો મામલો હત્યા સુધી પહોંચ્યો ન હોત. હાલ બાબરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
