તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
કચ્છમાં ૨૦ ઊંટોના રહસ્યમય મોતથી ખળભળાટઃ ચરિયાણ બાદ ટપોટપ મોત
માંડવી તાલુકાના ગાંધીધામ-રાજડા વચ્ચેની ઘટનાઃ પશુચિકિત્સક ટીમો ઘટનાસ્થળે દોડીઃ ૮ બીમાર ઊંટોની સારવાર શરૂ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩: કચ્છના માંડવી તાલુકામાં ગઢશીશા નજીક રાજડા ટેકરી વિસ્તારમાં ઊંટોના ટપોટપ મોતની અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ગાંધીધામથી રાજડા વચ્ચેના સીમાડા વિસ્તારમાં આશરે ચરિયાણ માટે ગયેલા ૨૦ જેટલા ઊંટોના મોત થતાં સ્થાનિક માલધારીઓ અને પશુપાલકોમાં ભારે અરેરાટી ફેલાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ દેવપર ગઢ વિસ્તારના પશુપાલકોના ઊંટો આ ઘટનાનો ભોગ બન્યા છે. ખેંગારભાઈ અને ચન્નાભાઈ સહિતના માલધારીઓને ઊંટોના મોતને પગલે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
માલધારીઓના જણાવ્યા મુજબ ઊંટો સીમાડામાં ચરવા ગયા બાદ અચાનક બીમાર પડ્યા અને ત્યારબાદ એક પછી એક મોતને ભેટયા હતા. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઊંટોએ ખેતરના શેઢા પર છાંટવામાં આવેલી ઝેરી દવાવાળું ઘાસ ખાધુ હોઈ શકે છે અથવા તો કોઈ ઝેરી પાણીનાસ્ત્રોતનું પાણી પીવાથી આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.
જોકે, ઊંટોના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મોતનું સાચું કારણ જાણવા માટે મળત ઊંટોના પોસ્ટમોર્ટમ કરી સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. FSLના રિપોર્ટ બાદ જ મોત પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે.
આ ઘટનાની જાણ થતાં જિલ્લા મુખ્ય પશુ અધિકારીની સૂચનાથી ગઢશીશા, માંડવી અને ભુજની પશુચિકિત્સક ટીમો તાત્કાલિક રાજડા ટેકરી વિસ્તારમાં પહોંચી હતી. ટીમ દ્વારા ૮ બીમાર ઊંટોની તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી છે. કેટલાક ઊંટો હાલ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ માલધારીઓએ વળતરની માંગ કરી છે. કચ્છમાં ઘાસચારાની અછત વચ્ચે પોતાના પશુધનને બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા માલધારીઓ માટે ઊંટોના સામૂહિક મોતનો આઘાત વધુ ગંભીર બન્યો છે. એકસાથે મોટી સંખ્યામાં ઊંટોના મોતથી માલધારીઓને આર્થિક તેમજ માનસિક નુકસાન થયું છે. માલધારીઓએ સરકાર સમક્ષ યોગ્ય વળતર ચૂકવવા તેમજ ઊંટોના મોતનું કારણ તાત્કાલિક શોધી જવાબદાર પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે FSLના રિપોર્ટ અને તંત્રની તપાસ બાદ જ રાજડા ટેકરી વિસ્તારમાં થયેલા આ ઊંટોના રહસ્યમય મોતનું સાચુ કારણ સામે આવશે.(૨.૪)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
