<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જખૌમાં કમરે બાંધેલી દોરી અને માથા પર ગંભીર ઘાથી હત્યાનો ભેદ ઉકેલાયો: આરોપીને દરિયામાંથી દબોચ્યો

કચ્છના જખૌમાં બિનવારસી લાશ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો ઉકેલી મધદરિયામાંથી મૃતકના બાળપણના મિત્ર હાજી જુમા સિદીની હત્યાના આરોપસર ધરપકડ કરી

કચ્છના જખૌ વિસ્તારમાં ગત ૫ સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા પુરુષની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે આ મામલે અકસ્માત મોતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ, મૃતદેહની કમરે બાંધેલી દોરી અને માથા પરના ગંભીર ઘાના નિશાન જોતાં પોલીસને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી.

પોલીસે તુરંત જ 3 અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ દેવભૂમિ દ્વારકાના માછીમાર ઓસમાણ ઉમર કેર તરીકે થઈ હતી. ઓળખ છતી થતાં જ પોલીસે તેના સંપર્કો અને સાથે કામ કરતા લોકોની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસ તપાસની કડીઓ મૃતકના બાળપણના મિત્ર અને વર્ષોથી સાથે જ માછીમારી કરતા હાજી જુમા સિદી સુધી પહોંચી હતી. પોલીસે હાજીની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે, એક ચાની કેબિન પર બંને મિત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન મૃતક ઓસમાણે આરોપી હાજીની બહેન વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ સાંભળી આવેશમાં આવેલા હાજીએ પથ્થર વડે ઓસમાણના માથા પર ઉપરાછાપરી ઘા ઝીંકીને તેની દારુણ હત્યા કરી નાખી હતી.

હત્યા બાદ આરોપી વતન જતો રહ્યો હતો અને બાદમાં કચ્છ પરત ફરી માંડવીના દરિયામાં બોટ લઈને માછીમારી કરવા જતો રહ્યો હતો. આ બાતમી મળતાં જ જખૌ પોલીસે મધદરિયામાં વિશેષ ઓપરેશન પાર પાડીને આરોપી હાજી જુમા સિદીને ઝડપી લીધો હતો. વર્ષો જૂની મિત્રતાનો બહેનની ગાળો મુદ્દે કરૂણ અંત આવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

(1:07 AM IST)