News of Saturday, 2nd May 2026
જામનગરમાં નેપાળી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો: પત્નીની ટીકાથી ઉશ્કેરાયેલા મિત્રએ જ પથ્થર ઝીંકી હત્યા કરી'તી : જુઓ વિડીયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : જામનગર શહેરમાં રણજીત સાગર રોડ પર ગ્રીન સીટી નજીકની સોસાયટી વિસ્તારમાં નેપાળી યુવાનની માથામાં પથ્થર ઝીંકી દઈ કરવામાં આવેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. હત્યા નિપજાવનાર અન્ય કોઈ નહીં પણ મૃતકનો મિત્ર જ નીકળ્યો. પોલીસે આરોપી રાકેશ ઉર્ફે રામું છેત્રી સાઉદની ધરપકડ કરી લીધી છે.
મળતી વિગત મુજબ રખડતું જીવન જીવતા 28 વર્ષીય તપેન્દ્ર સાઉદનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં માથામાં પથ્થર ઝીંકીને હત્યા કરાયાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા શંકર સાઉદે ફરિયાદ નોંધાવી હતી કે મૃતક તપેન્દ્રના મિત્ર રાકેશ ઉર્ફે રામું છેત્રીએ પોતાના પુત્રના માથા પર પથ્થર ઝીંકી તથા પગમાં ઈજા પહોંચાડી હત્યા નિપજાવી છે.
ફરિયાદના આધારે સિટી એ. ડિવિઝન પોલીસની સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટુકડી પણ તપાસમાં જોડાઈ હતી. અલગ-અલગ ટીમો બનાવી પોલીસે આરોપી રાકેશ ઉર્ફે રામું છેત્રી સાઉદની અટકાયત કરી હતી.
પૂછપરછમાં આરોપીએ હત્યા કર્યાની કબુલાત આપી છે. આરોપીના જણાવ્યા મુજબ બનાવની રાત્રે બંને મિત્રો સાથે બેઠા હતા. દરમિયાન મરનાર તપેન્દ્રએ આરોપીની પત્ની વિશે ટીકા ટિપ્પણી કરી હતી. જે આરોપીને પસંદ ન પડતા તે ઉશ્કેરાટમાં આવી ગયો અને આવેશમાં આવી માથામાં પથ્થર ઝીંકી દઈ હત્યા કરી નાખી હોવાની કબૂલાત આપી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
