News of Friday, 23rd October 2026
કચ્છના રાપરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગોડાઉન પર નગરપાલિકાનો દરોડો, રૂ. ૫ લાખનો જથ્થો ઝડપાયો
સલારી નાકા પાસેના અર્બુદા ટ્રેડર્સમાં કાર્યવાહી; જથ્થો ભરતાં ત્રણ કલાક લાગ્યા, બે ટ્રેક્ટર બોલાવવાની ફરજ પડી, વેપારીને રૂ. ૫ હજારનો દંડ ફટકારાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : કચ્છમાં રાપર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને સંગ્રહ સામે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે નગરપાલિકાની ટીમે રાપર-ધોરાવીરા રોડ પર સલારી નાકા પાસે આવેલા અર્બુદા ટ્રેડર્સના ગોડાઉન પર દરોડો પાડી અંદાજે રૂ. 4થી 5 લાખની કિંમતનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જથ્થો એટલો વિશાળ હતો કે તેને બહાર કાઢીને ભરતાં આશરે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો અને બે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. આ કાર્યવાહીને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
રાપર શહેરમાં છેલ્લા એક મહિનાથી સફાઈ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે નગરપાલિકા દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા અગાઉ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંગ્રહ અને વેચાણ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા 15 દિવસથી પ્લાસ્ટિકના જથ્થા અંગે તપાસ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે સલારી નાકા પાસે આવેલા અર્બુદા ટ્રેડર્સના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોડાઉનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિશાળ જથ્થો મળી આવતાં નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જથ્થો બહાર કાઢવા અને ભરવા માટે આશરે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો, જ્યારે સમગ્ર જથ્થાને લઈ જવા બે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.
કાર્યવાહી દરમિયાન અર્બુદા ટ્રેડર્સના હરેશ દાના ચૌધરી પાસેથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ રૂ. 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નગરપાલિકાની આ કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓમાં ચકચાર મચી છે. આ દરોડાની કામગીરીમાં નગરપાલિકાના ઇજનેર આશિષ ગોસ્વામી સહિત દિવ્યરાજસિંહ જાડેજા, શીતલબેન જામ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દીપાલીબેન ઠક્કર, કુંદનસિંહ વાઘેલા, હરદેવસિંહ રાઠોડ, સંજયસિંહ વાઘેલા, શંકરભાઈ ઝાલા, જયદીપ જાદવ, રાજદીપદાન ગઢવી, હસમુખ ઠાકોર, જય માલી, વિશાલ ઝાલા, કાનજી ડોડીયા, નિલેશ ઠક્કર, દેવાભાઈ રબારી સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
નગરપાલિકાની આ કાર્યવાહીથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ અને વેચાણ સામે કડક સંદેશ ગયો છે. શહેરમાં સ્વચ્છતા જળવાય અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકે તે માટે નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
