<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ગાંધીધામના વેપારી સાથે ૫૦ લાખની છેતરપિંડીના ગુનામાં મુન્દ્રાના કોંગ્રેસી નગરસેવકની ધરપકડ

નગરસેવક ઇમરાન સલીમ જત એ ધમકી આપી’તી મારા પિતા મુન્દ્રાના નામચીન છે પોલીસ મારું કાંઈ બગાડી નહીં શકે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ :  કચ્છના રાજકારણમાં મોટું માથું ગણાંતા કોંગ્રેસના આગેવાન અને મુન્દ્રા વિસ્તારના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સલીમ જતના પુત્ર અને હાલ મુન્દ્રા બારોઇ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નગરસેવક ઇમરાન સલીમ જત વિરુદ્ધ અડધા કરોડ રૂપિયાની વિશ્વાસઘાત તેમ જ છેતરપિંડીની ફરિયાદે ખળભળાટ સર્જ્યો છે. રાજકીય વર્તુળોમાં અને લોકોમાં ચકચાર સાથે ચર્ચા જગાવનાર આ કિસ્સામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ છે. ગાંધીધામના ખારી રોહરમાં રહેતા ઇનાયત કાર્ગો કેરિયર નામની વેપારી પેઢી ચલાવતા હાજી યાકુબ જંગીયાએ મુન્દ્રા બારોઇ નગરપાલિકાના કાઉન્સીલર ઇમરાન સલીમ જત વિરુદ્ધ ૫૦,૮૩,૩૬૨ રૂપિયાની વિશ્વાસઘાત છેતરપિંડીની ફોજદારી ફરિયાદ કરી છે. જેને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મુન્દ્રામાંથી ઇમરાન જતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ફરિયાદની વિગતો પ્રમાણે મુન્દ્રાના ઇમરાન સલીમ જતએ રોયલ મિનરલ્સ અને વિશાલ ટ્રેડિંગ કંપની મારફતે તેમની પેઢી ઇનાયત કાર્ગો કેરિયરને કાંકરીનું હેન્ડલિંગ તેમ જ સ્ટિવડોરિંગનું કામ આપ્યું હતું. પ્રથમ કામના પૈસા ચૂકવી દીધા હતા. બાદમાં ૨૫/૧૨/૨૦૨૩ ના ઇમરાને બીજું કામ આપ્યું હતું જેના ૯૨,૧૯,૫૧૩ રૂપિયાના બિલમાંથી ૪૧,૩૪,૧૪૫ નું ચુકવણું કરી દીધું હતું. જ્યારે બાકી નીકળતા ૫૦,૮૩,૩૬૨ લાખ ચૂકવ્યા ન્હોતા. આ રૂપિયાની ઉઘરાણી ઇમરાન જત પાસેથી ફોન દ્વારા અને રૂબરૂ વારંવાર કરતા ઈમરાને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેમ ફરિયાદીની ગાંધીધામ કેસર આર્કેડમાં આવેલ ઓફિસે જઈ ઈમરાન જત એ ધમકી આપી હતી કે, તારા રૂપિયા ભૂલી જા, નહીંતર જાનથી મારી નાખીશ, મારા પિતા મુન્દ્રામાં નામચીન છે અને રાજકીય વગ ધરાવે છે. પોલીસ મારું કાંઈ નહીં કરી શકે. આ વિગતો સાથે ફરિયાદી એ ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્વરીત કાર્યવાહી કરી ઈમરાન સલીમ જતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:31 AM IST)