<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

દરિયાઈ વ્યવહાર બાદ આજથી કચ્છનું મુન્દ્રા હવાઈ વ્યવહાર માટે સજ્જ : અદાણી ગ્રુપની સંપૂર્ણ માલિકીના ખાનગી એરપોર્ટનું આજે લોકાર્પણ

સામાન્ય મુસાફરો માટે આજથી શરૂ, ઇન્ટરનેશનલ ઉડ્ડયનની ક્ષમતા, કાર્ગો દ્વારા એર લોજિસ્ટિક માટે અદાણી ગ્રુપનું ભાવિ આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ :  કચ્છનું નાનકડું એવું મુન્દ્રા શહેર આજે નવો ઇતિહાસ રચી રહ્યું છે. વિશ્વભરના દરિયાઈ માર્ગ સાથે જોડાયા બાદ હવે મુન્દ્રા હવાઈ માર્ગે પણ દેશ અને દુનિયા સાથે જોડાવવા સજ્જ છે. હાલમાં આજથી નેશનલ લેવલે પેસેન્જર સેવા શરૂ થઈ રહી છે. અદાણી ગ્રુપની સંપૂર્ણ માલિકીના આ ખાનગી એરપોર્ટ દ્વારા ભવિષ્યમાં ઈન્ટરનેશનલ પેસેન્જર સેવા તેમ જ ખાસ કરીને કાર્ગો માટે એર લોજિસ્ટિક સર્વિસ શરૂ કરવાનું ભાવિ આયોજન છે. હાલમાં બે દિવસ પૂર્વે જ નવા ટર્મિનલમાં અદાણી ગ્રુપના ડાયરેક્ટર રક્ષિત શાહ દ્વારા પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરાયા હતા. 

કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા મુન્દ્રા માટે આજે ૨૩ જૂન ૨૦૨૬નો દિવસ ભારે હર્ષોલ્લાસ લઈને આવ્યો છે. અદાણી ગ્રુપ હસ્તકનું 'મુન્દ્રા એરપોર્ટ' (MDA) આજથી સામાન્ય જનતાની મુસાફરી માટે સત્તાવાર રીતે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ એરપોર્ટ માત્ર અદાણી ગ્રુપના ખાનગી વપરાશ માટે જ સીમિત હતું, પરંતુ હવે તેને વ્યાવસાયિક (Commercial) મંજૂરી મળી ગઈ છે.સ્ટાર એર દ્વારા વિમાની સેવાનો પ્રારંભપ્રખ્યાત પ્રાદેશિક એરલાઇન કંપની 'સ્ટાર એર' (Star Air) દ્વારા આજથી જ અહીંથી નિયમિત ફ્લાઇટ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. કયા શહેરો માટે મળશે ફ્લાઇટ? એ જોઈએ તો સીધી ફ્લાઇટ: મુંબઈ, સુરત, હિંડન (દિલ્હી NCR) અને ગોવા.કનેક્ટિંગ ફ્લાઇટ: બેંગલુરુ, નાંદેડ, કોલ્હાપુર અને બેલગાવી.

શેડ્યૂલ આ પ્રમાણે રહેશે. મુંબઈ-મુન્દ્રા વચ્ચે અઠવાડિયામાં ૫ દિવસ અને દિલ્હી (હિંડન) માટે અઠવાડિયામાં ૩ દિવસ સીધી ફ્લાઇટ ચાલશે.વર્લ્ડ-ક્લાસ સુવિધાઓથી સજ્જ ટર્મિનલઅદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રા ખાતે ૧૦૦ મુસાફરોની ક્ષમતાવાળું અત્યાધુનિક પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ સાથે જ ૧૯૦૦ મીટર લાંબો રનવે તૈયાર કરાયો છે, જેના પર મોટા કોમર્શિયલ વિમાનો સરળતાથી લેન્ડ થઈ શકશે. એરપોર્ટ પર મુસાફરો માટે પ્રીમિયમ લાઉન્જ, ફૂડ કોર્ટ અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે.ભાડું કેટલું હશે?મુસાફરો માટે શરૂઆતી ભાડું ઘણું વ્યાજબી રાખવામાં આવ્યું છે. મુન્દ્રાથી સુરતનું શરૂઆતી વન-વે ભાડું આશરે રૂા. ૩,૦૦૦ ની આસપાસ છે. મુસાફરો 'સ્ટાર એર'ની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે.ભુજ અને કંડલા બાદ મુન્દ્રા એ કચ્છ જિલ્લાનું ત્રીજું કાર્યરત કોમર્શિયલ એરપોર્ટ બન્યું છે. આ એરપોર્ટ શરૂ થવાથી કચ્છના વેપાર, ઉદ્યોગો અને પ્રવાસન ક્ષેત્રને ખૂબ જ મોટો વેગ મળશે.

(9:37 AM IST)