<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

સાંસદ પૂનમબેન માડમ, મહંત દેવપ્રસાદજી મહારાજ, જીતુભાઈ લાલ અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જામનગરમાં કર્યું ઉત્સાહભેર મતદાન

નવાગામ ઘેડમાં પૂનમબેન માડમ, બ્રિલિયન્ટ સ્કૂલમાં મહંત દેવપ્રસાદજી, જામનગર બેન્ક ચેરમેન જીતુભાઈ લાલ અને હકુભા જાડેજાએ પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરી નગરજનોને લોકશાહી મજબૂત કરવા કરી અપીલ

  મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. 26   : જામનગર શહેરમાં આજે લોકશાહીના મહાપર્વ સમાન મતદાન પ્રક્રિયામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ ધર્મગુરુઓએ વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દિગ્ગજ મહાનુભાવોએ મતદાન કરીને જામનગરના નાગરિકોને લોકશાહીને વધુ સક્ષમ બનાવવા માટે જાગૃત કર્યા હતા.

 

  સાંસદ પૂનમબેન માડમનું મતદાન અને અપીલ: 

જામનગર અને દેવભૂમિ દ્વારકા બેઠકના સાંસદ પૂનમબેન માડમ આજે સવારે નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ગોપાલ કુમાર છાત્રાલય ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પોતાનો મત આપ્યો હતો. મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની મજબૂતીનો આધાર દરેક નાગરિકના મતાધિકાર પર રહેલો છે. તેમણે જામનગર શહેર અને જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવી મતદાન કરવા માટે પ્રેરણાત્મક અપીલ કરી હતી.

 

  મહંત દેવપ્રસાદજી મહારાજે સ્થળ બદલાવા છતાં નિભાવી ફરજ: 

આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજે પણ લીમડાલેન વિસ્તારમાં આવેલી બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. વર્ષોથી આણદાબાવા સેવા સંસ્થાના સંકુલમાં જ મતદાન મથક રહેતું હતું, પરંતુ આ વખતે તેમાં ફેરફાર થતા તેઓ પ્રથમવાર અન્ય કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે સંદેશો પાઠવ્યો હતો કે, સ્થળ બદલાય પણ મતદાન કરવાની ભાવના બદલાતી નથી. દરેક મતદારે પોતાની ફરજ અને અધિકાર સમજીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવું જોઈએ.

 

  અન્ય અગ્રણીઓએ પણ નોંધાવી હાજરી 

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની સાથે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલે પણ મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) એ પણ લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. હકુભા જાડેજાએ તેમના પરિવારના સભ્યો સાથે સેન્ટ આન્સ સ્કૂલ ખાતે જઈને મતદાન કર્યું હતું.

 

આમ, જામનગરના મુખ્ય પ્રતિનિધિઓ અને આગેવાનોએ જાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા માટે સમગ્ર નગરજનોમાં જાગૃતિ અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.

(2:05 PM IST)