<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

હળવદના માથક ગામમાં વીજળી પડતા માતા-પુત્રના ઘટના સ્થળે જ મોત : સમગ્ર પંથકમાં શોકની લાગણી

વરસાદી માહોલ વચ્ચે વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડતા બંને તેની ઝપેટમાં આવ્યા

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની કરુણ ઘટના સામે આવી છે. હળવદના માથક ગામમાં વીજળી પડતા માતા-પુત્રના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

 

મળતી માહિતી મુજબ, માથક ગામમાં માતા અને પુત્ર વાડીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન સાંજના સમયે પંથકમાં કડાકાભડાકા સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી પડતા બંને તેની ઝપેટમાં આવ્યા હતા. વીજળી પડવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

 

વીજળી પડ્યા બાદ માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. એકસાથે બે પરિવારજનોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આસપાસના લોકો પણ ઘટનાને પગલે સ્થળ પર એકઠા થયા હતા.

 

 

ઘટનાની જાણ હળવદ પોલીસને કરવામાં આવી છે. પોલીસે ઘટનાની માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વરસાદી માહોલ દરમિયાન ખેતર કે ખુલ્લી જગ્યામાં કામ કરતા લોકોએ વીજળી અને ગાજવીજ સમયે ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.હળવદ પંથકમાં સાંજના સમયે વરસાદી ઝાપટાં સાથે કડાકાભડાકાનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન બનેલી આ દુઃખદ ઘટનાથી માથક ગામ સહિત આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

(8:18 PM IST)