<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

અકસ્‍માતમાં ૪-૪ સ્‍વજનો ગુમાવી દીધાની વાતથી માતા જાગૃતિબેન કાપડીયા અને પુત્રી વેદશ્રી અજાણ

માળીયા મિંયાણાના હરિપર પાસે સર્જાયેલા અકસ્‍માતની કરૂણાંતિકા દીવ ઘોઘલાના માછીમાર મનોજભાઇ કાપડીયા, તેમના દિકરા, બહેન, ભાણેજના ઘટના સ્‍થળે જ મોતઃ માતા-પુત્રી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: માળીયા મિંયાણાના હરિપર પાસે ઇકો કારનું ટાયર ફાટતાં રોડની રોંગ સાઇડમાં ઘુસી જઇ ટ્રક સાથે અથડાતાં ઇકોમાં બેઠેલા દીવ ઘોઘલાના એક જ પરિવારના ચાર સદસ્‍યોના મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. અકસ્‍માતમાં બચી ગયેલા માતા-પુત્રીને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. કરૂણતા એ છે કે પોતાના પરિવારના ૪-૪ સદસ્‍યો હવે હયાત નથી એ વાતથી આ મા-દિકરીને અજાણ રખાયા છે. આ પરિવાર દ્વારકાથી દર્શન કરી દીવ પરત  ફરી રહ્યો હતો ત્‍યારે ગોઝારો અકસ્‍માત નડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ દીવ ઘોઘલામાં અશોકનગર કોલોનીમાં રહેતાં  માછીમાર મનોજભાઇ લક્ષમણભાઇ કાપડીયા (ઉ.વ.૫૦) તેમના પત્‍નિ જાગૃતીબેન (ઉ.વ.૪૫), દિકરો જીયાંશુ (ઉ.વ.૮), દિકરી વેદશ્રી (ઉ.વ.૧૪), બહેન કંચનબેન વીરજીભાઇ બાંભણીયા (ઉ.વ.૬૦), ભાણેજ ભરતભાઇ વીરજીભાઇ બાંભણીયા (ઉ.વ.૩૫) સાથે ઇકો કાર લઇ રવિવારે દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતાં. ગત સાંજે આ પરિવાર પરત દીવ જઇ રહ્યો હતો ત્‍યારે માળીયા મિંયાણાના હરિપર પાસે ટ્રક સાથે ઇકો અથડાતાં બૂકડો બોલી ગયો હતો.

આ અકસ્‍માતમાં મનોજભાઇ, તેમના દિકરા જીયાંશ, બહેન કંચનબેન અને ભાણેજ ભરતભાઇ (કારચાલક)ના ઘટના સ્‍થળે જ મોત થયા હતાં. મનોજભાઇના પત્‍નિ જાગૃતિબેન અને દિકરી વેદશ્રીને ઇજાઓ પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. જેમાં જાગૃતિબેનને બંને પગમાં ગંભીર ઇજા પહોંચી હોઇ ઓપરેશન કરવા તજવીજ કરવામાં આવી હતી. દિકરી વેદશ્રીને પણ ફ્રેકચર જેવી ઇજાઓ હોઇ ઓર્થોપેડીક વોર્ડમાં  દાખલ છે. વેદશ્રીએ કહ્યું હતું કે હું ડ્રાઇવર સીટની પાછળ બેઠી હતી. કઇ રીતે અકસ્‍માત થયો તેની ખબર નથી. જાગૃતિબેન અને દિકરી વેદશ્રીને એ વાતથી પરિવારજનોએ અજાણ રાખ્‍યા હતાં કે તેની સાથેના બીજા ચાર સ્‍વજનો હવે હયાત નથી રહ્યા.

(12:23 PM IST)