તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ભાવનગરમાં મા-દીકરી પાસે ખંડણી માંગી : પૈસા નહીં આપે તો બદનામ કરવાની ધમકી
મહિલાનો આક્ષેપ છે કે તેણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સહિત પોલીસ અધિક્ષકની કચેરીમાં અનેક અરજીઓ કરી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી

ભાવનગરમાં મા-દીકરીને છેલ્લા એક વર્ષથી સતત હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. મહિલાના જણાવ્યા મુજબ કેટલાક શખ્સોએ તેની પાસેથી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. પૈસા નહીં આપે તો તેને અને તેની 16 વર્ષની દીકરીને જાનથી મારી નાખવાની તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે.
મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સગીર દીકરીને પણ સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે મહિલાએ કેટલાક શખ્સોના નામ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે.
મહિલાના જણાવ્યા મુજબ મોડી રાત્રે તેના ઘર પર પથ્થરો અને ઈંટો ફેંકીને પરિવારને ધમકાવવામાં આવ્યો હતો. સતત મળતી ધમકીઓના કારણે મા-દીકરીના જીવને જોખમ હોવાનો દાવો મહિલાએ કર્યો છે. ઘટનાને લગતા કેટલાક વીડિયો પણ સામે આવ્યા હોવાનું જણાવાયું છે.
મહિલાનો આક્ષેપ છે કે તેણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સહિત પોલીસ અધિક્ષકની કચેરીમાં અનેક અરજીઓ કરી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. મહિલાએ તાત્કાલિક ફરિયાદની તપાસ કરી આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ખંડણીની માંગ, ધમકી, સોશિયલ મીડિયા પર બદનામી અને પથ્થરમારાની ફરિયાદમાં કેટલું સત્ય છે તે સ્પષ્ટ થશે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
