<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

કચ્છના આદિપુરમાં ઈ-સ્ટેમ્પ પેપર આપવા માટે નિયત રકમ કરતા વધુ રૂપિયા વસૂલતા બે સ્ટેમ્પ વેન્ડરોને રંગેહાથ ઝડપાયા

સરકારે નક્કી કરેલા દર કરતા વધુ રૂપિયાની લાંચ માંગતા બે સ્ટેમ્પ વેન્ડરોને એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધા

કચ્છ જિલ્લાના આદિપુરમાંથી ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર ઉઘરાણીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય નાગરિકો પાસેથી સરકારી સેવાઓ માટે વધુ રૂપિયા પડાવતા તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. આદિપુરમાં ઈ-સ્ટેમ્પ પેપર કાઢી આપવાના બહાને સરકારે નક્કી કરેલા દર કરતા વધુ રૂપિયાની લાંચ માંગતા બે સ્ટેમ્પ વેન્ડરોને એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધા છે.

મળતી વિગતો મુજબ, સામાન્ય જનતા જ્યારે દસ્તાવેજ કે અન્ય સરકારી કામકાજ માટે ઈ-સ્ટેમ્પ લેવા જતી ત્યારે આ સ્ટેમ્પ વેન્ડરો દ્વારા નિયત કિંમત કરતા વધુ રૂપિયા વસૂલવામાં આવતા હતા. આવી જ એક વધારાની રકમ એટલે કે રૂ. 330 ની લાંચ લેતા બે લોકોને એસીબીની ટીમે સ્થળ પર જ દબોચી લીધા હતા.

એસીબી દ્વારા પકડાયેલા બંને આરોપીઓ લાયસન્સ ધરાવતા સ્ટેમ્પ વેન્ડર છે, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓમાં અનીલભાઈ સોમદત્ત નાથાણી અને જૈનીબેન નીતીનભાઈ સોનીનો સમાવેશ થાય છે.

(12:56 AM IST)