<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ધ્રોલ-જોડીયા તાલુકાના ૨૦૦થી વધુ એગ્રો ડીલરોની હડતાલઃ ખાતર-બિયારણની દુકાનો બંધઃ નેનો યુરિયા અને OTP પદ્ધતિ નાબૂદ કરવાની માંગ

એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશન ગુજરાતના એલાનને પગલે એક દિવસીય બંધઃ ખેડૂતોને ફરજિયાત નેનો DAP અને ફિગરપ્રિન્‍ટથી પરેશાની, ભાવ વધારાનું નિયમન કરવા માંગ

(હસમુખરાય કંસારા દ્વારા)ધ્રોલ, તા.૨૮: સમગ્ર ગુજરાતમાં ખાતર, બીજ અને કિટ નાશકના વેચાણ સાથે જોડાયેલા વેપારીઓએ એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશન ગુજરાત દ્વારા આપવામાં આવેલા એક દિવસીય બંધના એલાનને સમર્થન આપ્‍યું હતું. જે મુજબ ધ્રોલ-જોડીયા તાલુકા એગ્રો ઇનપુટ ડીલર્સ એસોસીએશનના ૨૦૦થી વધુ વેપારીઓએ આજરોજ તા.૨૭/૦૪/૨૦૨૬ના રોજ તેમના ધંધા-રોજગાર બંધ રાખી હડતાલમાં જોડાયા હતા.

એસોસિએશનના હસમુખભાઈ બી. કંસારા દ્વારા જણાવાયું કે ખાતર, બિયારણ અને જંતુનાશક સંબંધિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આ બંધનું આયોજન કરાયું છે. કંપનીઓ દ્વારા નેનો યુરિયા અને નેનો DAP ફરજિયાત આપવામાં આવે છે, જે ખેડૂતો સ્‍વીકારતા નથી. છતાં કંપની ફરજિયાત આ પ્રોડક્‍ટો ખેડૂતોને આપે છે. આ પદ્ધતિ દૂર કરવાની માંગણી કરાઈ છે.

આ ઉપરાંત ખેડૂતો ખાતર લેવા જાય ત્‍યારે ફિગરપ્રિન્‍ટ અને OTP આપવું ફરજિયાત કરાયું છે. આ પદ્ધતિમાં વેપારીઓને અનેક પ્રશ્નો ઉપસ્‍થિત થાય છે. સિસ્‍ટમ કોમ્‍પ્‍યુટરમાં ન આવે તો ખેડૂતોને ખાતર મળતું નથી, જેના કારણે વેપારીઓ તથા ખેડૂતો વચ્‍ચે ઘર્ષણ ઉત્‍પન્ન થાય છે. તેથી આ પદ્ધતિ તાકીદે નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે.

હાલમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, ત્‍યારે સરકાર તરફથી દર વર્ષે ભાવ વધારો ઝીંકવામાં આવે છે. જેના કારણે ખેડૂતોની આર્થિક પરિસ્‍થિતિ નબળી હોય તેવા ખેડૂતો પૂરતું ખાતરનો ઉપયોગ કરી શકતા નથી. પરિણામે પાક ઉત્‍પાદનમાં ઘટાડો થતાં ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાની સ્‍થિતી પેદા થાય છે. આથી ખેડૂતોને સરકારી અને સહકારી દેણાં ભરવામાં મુશ્‍કેલી ઊભી થાય છે. તેથી ભાવ વધારાનું નિયમન જરૂરી હોવાની રજૂઆત કરાઈ છે.

આ બંધનું આયોજન સંપૂર્ણ શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી હાથ ધરવામાં આવ્‍યું હતું. કૃષિ ક્ષેત્રના હિતોને ધ્‍યાનમાં રાખીને એસોસિએશન દ્વારા કરાયેલી તમામ વ્‍યાજબી માંગણીઓનો તાત્‍કાલિક ઉકેલ લાવવા કૃષિ વેપારીઓએ માંગણી કરી છે.

(1:39 PM IST)