<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

મોરબીના રાજમાતાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન : રાજવી પરંપરાથી રાજમાતાની અંતિમ ઈચ્છા મુજબ મોરબીમાં અપાઈ અંતિમ વિદાય:તા. ૨૨ ને ગુરૂવારે સવારે 8 થી 10 મોરબીના ન્યુ પેલેસ ખાતે બેસણું

મોરબી રાજમાતાના અંતિમ દર્શન કરવા, રાજપુત સમાજ, સામાન્ય માણસથી લઇ, વિવિધ સમાજ, સંગઠનના હોદેદારો, રાજકીય આગેવાનો, ઉદ્યોગ જગત સંગઠનના પ્રમુખોસહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી રાજવી નિવાસ ન્યુપેલેસ ખાતે રાજમાતા વિજ્યારાજ કુંવરબાના પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયા બાદ અગ્રણીયો સહીત રાજપુત સમાજ, વિવિધ જ્ઞાતિ -સમાજ, સંગઠનોના અગ્રણીઓ, રાજદ્વારિયો, ઔદ્યોગિક સંગઠનોના હેદેદારો, સહીત નગરજનોએ રાજમાતાના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સવારે 10 વાગ્યા બાદ રાજવી પરંપરા મુજબ તેમની બેન્ડવાજા સાથે ન્યૂપેલેસ થી અંતિમ યાત્રા નીકળી હતી, જે વાઘાજી બાપુના સ્ટેચ્યુ થી લઇ મયુરબ્રિજ પર થઇ દરબારગઢ, સોનીબજાર, ગ્રીન ચોક, નહેરૂ ગેઇટ સહીત રાજમાર્ગો પરથી નીકળી ધોળેશ્વર સ્મશાન વીસીપરા પહોંચી હતી. અંતિમયાત્રાના રૂટપર નગરજનોએ રાજમાતાના દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળેશ્વર સ્મશાન ભુમી પર જ રાજવી પરિવારના પૂર્વજોની સમાધિઓ આવેલી છે.
રાજવી પરિવારોએ રાજમાતા સાહેબના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી.
ન્યૂ પેલેસ ખાતે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, જામનગરના કુમાર સાહેબ અર્જુનસિંહજી, વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા અને વીરપુરના ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજીએ પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી.
મોરબી સ્ટેટના રાજમાતા વિજયાકુંવરબા સાહેબના 97 વર્ષની વયે થયેલા દુઃખદ અવસાન બાદ ન્યૂ પેલેસ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. સવારથી જ મોરબીની જનતા, વિવિધ આગેવાનો અને રાજવી પરિવારોના સભ્યો ભારે હૈયે તેમને અંતિમ વિદાય આપવા માટે ઉમટી પડ્યા હતા.
આ દુઃખદ ઘડીએ રાજમાતાના અંતિમ દર્શન ક૨વા અને શોકાતુર મોરબી રાજવી પરિવારને સાંત્વના પાઠવવા માટે સૌરાષ્ટ્રના અન્ય રાજવી પરિવારોના સભ્યો પણ મોરબી ખાતે દોડી આવ્યા હતા. જેમાં ખાસ કરીને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, જામનગરના કુમાર સાહેબ અર્જુનસિંહજી જાડેજા, વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા તેમજ વીરપુરના ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહ જાડેજા ન્યૂ પેલેસ ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ રાજવી અગ્રણીઓએ ન્યૂ પેલેસ ખાતે પહોંચીને રાજમાતા વિજયાકુંવરબા સાહેબના પાર્થિવ દેહને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ તેઓએ મોરબી રાજવી પરિવારના સભ્યોને રૂબરૂ મળીને આ કપરા સમયે હૂંફ અને સાંત્વના પાઠવી હતી.
અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, 'રાજમાતા અમર રહો'ના નારા ગુંજ્યા : ચંદનના લાકડા અને શુદ્ધ ઘીથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરાયા અંતિમ સંસ્કાર.
મોરબી રાજવી પરિવારના વડીલ અને આદરણીય રાજમાતા વિજયકુવરબા સાહેબના નિધન બાદ આજે ભારે હૈયે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આશરે સાડા ત્રણ કલાક જેટલો સમય ચાલેલી આ અંતિમ યાત્રામાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ આગેવાનો અને નાગરિકો દર્શન માટે ઉમટી પડયા હતા. સવારથી શરૂ થયેલી આ યાત્રા બપોરના સમયે સ્મશાન ઘાટે પહોંચી હતી અને ત્યારબાદ ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ એ રાજવી પરંપરા મુજબ વિધિ કરી હતી.તમામ સમાજના લોકો અને અગ્રણીઓએ અંતિમ યાત્રામાં જોડાઈને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોરબીમાં રાજમાતાની અંતિમ યાત્રા સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 1:30 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કારના સ્થળે પહોંચી હતી. આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ અંતિમ યાત્રામાં મોરબી ઉપરાંત રાજકોટ, વાંકાનેર, વીરપુર અને કચ્છ સહિતના સ્ટેટના રાજવી પરિવારો આવ્યા હતા. ખાસ કરીને ક્ષત્રિય સમાજના લોકો અને અન્ય વિવિધ સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. લોકોએ માર્ગમાં 'રાજમાતા અમર રહો'ના નારા લગાવીને પોતાના આદરભાવ વ્યક્ત કર્યા હતા અને ઠેર-ઠેર ઉભા રહીને લોકોએ અંતિમ દર્શનનો કર્યા હતા.
અંતિમ સંસ્કારની વિધિ શાહી પરંપરા મુજબ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી હતી. અંતિમ ક્રિયામાં અંદાજે 5 મણ જેટલા ચંદનના લાકડા, 5 થી 7 કિલો જેટલું શુદ્ધ ઘી અને જવ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંતિમ યાત્રામાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેરના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સદગત રાજમાતાનું બેસણું તા.22ને ગુરુવારના રોજ સવારે 8થી 10 દરમિયાન ન્યુ પેલેસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
રાજમાતાની અંતિમ યાત્રા પૂર્ણ થયા બાદ રાજવી પરિવારના સભ્ય વિશાલ બાબાએ સમગ્ર મોરબીની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજમાતાની એવી ઈચ્છા હતી કે તેમના અંતિમ કાર્યો મોરબીમાં જ થાય, જેને આજે પૂર્ણ કરવામાં આવી છે. મોરબીના લોકોએ જે રીતે ઉમટી પડીને તેમને વિદાય આપી છે, તે દર્શાવે છે કે રાજમાતાએ લોકો માટે કેટલા સારા કાર્યો કર્યા હતા. રાજવી પરિવારે આ અસીમ પ્રેમ અને આદર બદલ તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંતિમ સંસ્કારની વિધિ શાહી પરંપરા મુજબ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી હતી. અંતિમ ક્રિયામાં અંદાજે 5 મણ જેટલા ચંદનના લાકડા, 5 થી 7 કિલો જેટલું શુદ્ધ ઘી અને જવ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંતિમ યાત્રામાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેરના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સદગત રાજમાતાનું બેસણું તા.22ને ગુરુવારના રોજ સવારે 8થી 10 દરમિયાન ન્યુ પેલેસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર શોક વ્યક્ત કર્યો.
રાજમાતાનું વ્યક્તિત્વ, સેવાભાવ અને મોરબીની જનતા સાથેનો તેમનો નાતો હંમેશાં સ્મરણીય રહેશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક લાગણી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને તેમણે રાજમાતાના સેવાભાવને યાદ કરી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે રાજમાતાનું વ્યક્તિત્વ, તેમની સેવાની ભાવના અને મોરબીના લોકો સાથેનો તેમનો ગાઢ સંબંધ હંમેશા યાદ રહેશે. નરેન્દ્ર મોદીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના પરિવાર તેમજ હિતેચ્છુઓને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 'X' એકાઉન્ટ પર લખ્યું હતું કે, “મોરબીના રાજમાતા આદરણીય વિજયકુંવરબાના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું. તેમનું વ્યક્તિત્વ, સેવાભાવ અને મોરબીની જનતા સાથેનો તેમનો નાતો હંમેશાં સ્મરણીય રહેશે. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા તેમના પ્રશંસકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ".
સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ અપાવનાર મોરબી પ્રજાવત્સલ રાજવીઓનો સૌરાષ્ટ્રના રજવાડામાં કાયમ દબદબો રહ્યો હતો
મોરબીને બેનમુન હરવા ફરવાના સ્થળો, બાગબગીચાઓ, શહેરની બાંધણી જોવા પ્રવાસીઓ દુરદૂરથી આવતા એ રાજવી શાસન કાળમાં ભવ્ય વારસાની વાત કરીએ તો મોરબી સ્ટેટ પાસે પોતાનું પ્લેન, એરપોર્ટ રેલ્વલાઈન હતી આ સાથે પ્રજાપ્રેમ તો ખુબજ.
મોરબી પંથકના ગૌવંશ, અબોલ જીવોનાં નિભાવ માટે તત્કાલીન રાજવી પરિવારે અંદાજે સાડાચાર હજાર વીઘા જમીન આપી હતી જેની કિંમત આજે કરોડો, અરબો રૂ. કહી શકાય અને આજે એ જમીન પર હજારો ગૌ વંશનો ખુબ સારી સુખ, સુવિધાઓ સાથે ટ્રસ્ટીમંડળ સેવાભાવના સાથે નિભાવ કરી રહ્યા છે.
રજવાડાનું વિલિનિકરણ થયુ, આઝાદી મળી, રાજવી શાસનનો અંત આવ્યો છતાં પણ મોરબી રાજવી પરિવાર પોતાના વ્હાલસોયા મોરબી અને રૈયાત સાથે દિલથી જોડાયેલો રહ્યો.
મોરબી પંથકના ગૌવંશ, અબોલ જીવોનાં નિભાવ માટે તત્કાલીન રાજવી પરિવારે અંદાજે સાડાચાર હજાર વીઘા જમીન આપી હતી જેની કિંમત આજે કરોડો, અરબો રૂ. કહી શકાય અને આજે એ જમીન પર હજારો ગૌ વંશનો ખુબ સારી સુખ, સુવિધાઓ સાથે ટ્રસ્ટીમંડળ સેવાભાવના સાથે નિભાવ કરી રહ્યા છે.
રજવાડાનું વિલિનિકરણ થયુ, આઝાદી મળી, રાજવી શાસનનો અંત આવ્યો છતાં પણ મોરબી રાજવી પરિવાર પોતાના વ્હાલસોયા મોરબી અને રૈયાત સાથે દિલથી જોડાયેલો રહ્યા. જેમણે અનંતની વાટ પકડી તે રાજમાતાએ મોરબી 1979 ની મચ્છુ હોનારત હોય, 2001 નો ભૂકંપ હોય કે પછી ઝુલતાપુલ દુર્ઘટના 2022 હોય તેઓ તન, મન ધનથી પોતાની પુત્રીઓ ઉમબા, માયાબા, મીરાબા સાથે મદ્દદની હુંફ સાથે મોરબીવાસીઓ પડખે ઉભા રહ્યા.
રાજમાતા મચ્છુ હોનારત બાદ આખુ ચાર્ટર પ્લેન દવાનું ભરીને લાવ્યા ઉપરાંત અનેક મદ્દદ કરી, ભૂકંપમાં પડીને પાદર થયેલા ગામોનું પુનઃ નિર્માણ કરી બેઘર ને આશરો પૂરો પાડ્યો તો જુલાતાપુલના દિવંગતોના પરિવારો પડખે ઉભા રહ્યા અને આર્થિક મદ્દદ કરી અને પોતાનો રાજવી ધર્મ નિભાવ્યો હતો.
આજે રાજમાતા આ ફાની દુનિયા છોડીને અનંતની યાત્રાએ નીકળી ગયા છે પરંતુ રાજવી પરિવાર અને મોરબીવાસીઓના હૃદયમાં તેઓ કાયમ જીવંત રહેશે...
" અકિલા પરિવાર રાજમાતાને નતમસ્તક શ્રદ્ધાંજલિ પાઠવે છે " 

ૐ શાંતિ શાંતિ.
  મોરબીના રાજમાતાના નિધનને પગલે શ્રીરામ લીલા અને રાવણ દહન કાર્યક્રમ રદ.
વિજયાદશમી નિમિતે મોરબીમાં શ્રી રામ લીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન આજે મોરબીના રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબનું દુખદ અવસાન થતા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે
ધર્મરક્ષા સમિતિ મોરબીની યાદીમાં જણાવ્યા મુજબ મોરબીના રાજવી પરિવારના રાજમાતા મહારાણી શ્રી વિજયકુંવરબા સાહેબના દુખદ અવસાનથી સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી વ્યાપી છે ધર્મરક્ષા સમિતિ મોરબી તેમના નિધન પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે તા. ૨૦ ને મંગળવારના રોજ વિજયાદશમી નિમિતે મોરબીના એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી રામલીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજવી પરિવાર પ્રત્યે આદર અને સંવેદના વ્યક્ત કરતા તેમજ ન્યુ પેલેસ ખાતે યોજાનારી શોક વિધિઓને ધ્યાનમાં રાખીને સમિતિ દ્વારા કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની તમામ નગરજનોએ નોંધ લેવા જણાવ્યું છે

(10:47 PM IST)