<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

યુક્રેનના ડિટેન્‍શન સેન્‍ટરમાં બંધ મોરબીના યુવાને બે મહિના બાદ તેમના માતા સાથે વિડીયો કોલમાં કરી વાતચીત

રશિયામાં અભ્‍યાસ માટે ગયેલો યુવાન ડ્રગ્‍સ કેસમાં ફસાયા બાદ યુદ્ધના મેદાને પહોંચ્‍યો હતો, યુક્રેન સેના સમક્ષ આત્‍મસમર્પણ કર્યા બાદ છેલ્લા ૧૩ મહિનાથી ડિટેન્‍શન સેન્‍ટરમાં કેદ છે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૬: મોરબીથી રશિયા ખાતે અભ્‍યાસ અર્થે ગયેલો એક યુવાન કુરિયરમાં ડ્રગ્‍સની હેરાફેરીના કેસમાં ફસાઈ ગયો હતો. ત્‍યાં સજા ભોગવ્‍યા બાદ તેને રશિયા અને યુક્રેન વચ્‍ચેના યુદ્ધમાં લડવા માટે મોકલી દેવામાં આવ્‍યો હતો. જોકે, આ યુવાને લડવાને બદલે યુક્રેન બોર્ડર પર આત્‍મસમર્પણ કરી દીધું હતું અને છેલ્લા ૧૩ મહિનાથી તે યુક્રેનના એક ડિટેન્‍શન સેન્‍ટરમાં કેદ છે. લાંબા સમયના અંતરાલ બાદ, એક વકીલની મદદથી આ યુવાને બે મહિના પછી પોતાના માતા સાથે વિડીયો કોલના માધ્‍યમથી વાતચીત ક૨તાં પરિવારમાં ભાવુક દ્રશ્‍યો સર્જાયા હતા.

મોરબીના સાહિલ માજોઠી નામના યુવાનની માતા હસીનાબેને આપેલી માહિતી અનુસાર, સાહિલ વર્ષ ૨૦૨૪માં રશિયામાં અભ્‍યાસ માટે ગયો હતો. ત્‍યાં કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઈમ કામ ક૨તા અજાણતા એક ડ્રગ્‍સ ભરેલા પાર્સલની ડિલિવરીમાં તેનું નામ આવતાં તેને રશિયામાં ૭ વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તે રશિયાની જેલમાં બંધ હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થતાં તેને લડવા માટે બોર્ડર પર મોકલાયો હતો, પરંતુ સાહિલે આત્‍મસમર્પણ કરી દીધું હતું. દિલ્‍હી હાઈકોર્ટના એડવોકેટ દીપા જોસેફ બીજી વખત યુક્રેન ગયા હતા અને તેમની મદદથી આજે બે મહિના બાદ સાહિલે તેની માતા સાથે વોટ્‍સએપ કોલ દ્વારા વાતચીત કરી હતી. વિડીયો કોલ દરમિયાન સાહિલે તેના પરિવારના સભ્‍યોના ખબર-અંતર પૂછયા હતા અને પોતાની તબિયત સારી હોવાનું જણાવ્‍યું હતું. સાહિલની માતા હસીનાબેને યુક્રેન સરકાર યુવાનની સારી રીતે સંભાળ રાખી રહી છે તેનો ઉલ્લેખ કરીને ભારત સરકાર સમક્ષ અપેક્ષા વ્‍યક્‍ત કરી છે કે તેમના પુત્રને વહેલી તકે સહીસલામત ભારત પરત લાવવામાં આવે.

ડિટેન્‍શન સેન્‍ટરમાં સાહિલ ફર્નિચરનું કામ કરી રહ્યો છે.

હસીનાબેને કહ્યું કે સાહિલે જણાવ્‍યું હતું યુક્રેનના ડિટેન્‍શન સેન્‍ટરમાં તે એકમાત્ર ભારતીય નાગરિક છે. આખા ભારતમાંથી અન્‍ય કોઈ ભારતીય આ ડિટેન્‍શન સેન્‍ટરમાં બંધ નથી. યુક્રેનમાં ૯મી તારીખે જનરલ બ્રિગેડિયર સાથે વકીલે મિટિંગનું આયોજન કર્યું છે. આ મિટિંગમાં સાહિલને ભારત પરત લાવવા અંગેનો મહત્‍વનો નિર્ણય લેવાય તેવી શકયતા છે. હાલમાં સાહિલને ૨૦૨૭ સુધીમાં ભારત પરત લાવવાની શકયતા છે.

(10:59 AM IST)