તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
નિવૃત્ત સરકારી કર્મચારીઓને સાયબર ફ્રોડથી બચાવવા મોરબી પોલીસનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડીએ ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટથી બચવા માટે આપ્યું ખાસ માર્ગદર્શન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લામાં લોકોની સુરક્ષા અને જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન ભંડોળને સાયબર ફ્રોડથી સુરક્ષિત રાખવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સાયબર સુરક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડીએ ઉપસ્થિત લોકોને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં માર્ગદર્શન આપતા નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડીએ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેમની પાસે મોટા પ્રમાણમાં રિટાયરમેન્ટ પેન્શન ભંડોળ એકત્ર થયેલું હોય છે. આ ભંડોળ સાયબર ફ્રોડથી સુરક્ષિત રહે તે માટે શું કરવું અને શું ના કરવું તેની યોગ્ય સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, કોઈ પણ શંકાસ્પદ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કે ટેલિગ્રામ પર વિડિયો કોલ આવે તો તેને તરત જ ડીસકનેક્ટ કરી દેવો જોઈએ. આ ઉપરાંત કોઈપણ પ્રકારની સ્ક્રીનશેરિંગ એપ કે એપીકે (APK) ફાઇલ ડાઉનલોડ કરવી જોઈએ નહીં અને પોતાનો ઓટીપી (OTP) ક્યારેય કોઈની પણ સાથે શેર ન ક૨વો જોઈએ.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેવાયસી (KYC) અપડેટ કરવાના બહાને કોઈ બેન્ક કર્મચારીની ઓળખ આપીને લિન્ક ઓપન કરવાનું કહે તો તે ક્યારેય ઓપન ન કરવી જોઈએ. આવા કિસ્સામાં તુરંત જ બેંકની અધિકૃત વેબસાઇટ અથવા તો રૂબરૂ બેંક શાખા પર જઈને ખાતરી કરવી હિતાવહ છે. હાલમાં ચાલતા 'ડિજિટલ અરેસ્ટ'ના ડરથી બચવા પણ તેમણે અપીલ કરી હતી, કારણ કે કાયદામાં 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ પ્રોસેસ હોતી જ નથી. અંતમાં તેમણે અનુરોધ કર્યો હતો કે, જો સાયબર ફ્રોડને લગતો કોઈપણ કોલ કે મેસેજ આવે અથવા તો કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને, તો સમય બગાડ્યા વિના તુરંત જ ગુજરાત સરકારની સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો જોઈએ.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
