<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને પહોંચી વળવા ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ : શહેરીજનો ઈમરજન્સીમાં સંપર્ક કરી શકશે

આપત્તિકાળમાં તાત્કાલિક મદદ અને વિગતો મેળવવા માટે નાગરિકો ૦૨૮૨૨-૨૨૦૫૫૨ અથવા ૦૨૮૨૨-૨૨૦૫૫૩ ફોન નંબર પર ચોવીસેય કલાક ફરિયાદ નોંધાવી શકશે

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અત્યારથી જ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદ કે વાવાઝોડા જેવી આપત્તિના સમયમાં શહેરીજનોની સુખાકારી જળવાઈ રહે અને નાગરિકોને તાત્કાલિક ધોરણે ઈમરજન્સી સેવાઓ તેમજ વહીવટી રાહત મળી રહે તેવા શુભ હેતુથી મહાનગરપાલિકા કચેરી ખાતે ૨૪ કલાક કાર્યરત રહે તેવા વિશેષ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ચોમાસાને લગતી કોઈપણ ફરિયાદ માટે કંટ્રોલ રૂમ સજ્જ

મોરબી મહાનગરપાલિકાના ઈન્ચાર્જ સેક્રેટરી શાખા અધ્યક્ષ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને સમગ્ર શહેરીજનોને માહિતગાર કરવામાં આવ્યા છે કે, ચોમાસા દરમિયાન ઊભી થતી પાણી ભરાવાની, ઝાડ પડી જવાની કે અન્ય કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ફરિયાદો અને મુશ્કેલીઓ ઝડપથી નોંધાવવા માટે તંત્ર દ્વારા ખાસ લેન્ડલાઈન ફોન નંબરો જાહેર કરી દેવાયા છે. શહેરીજનો કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં અથવા કટોકટીના સમયે મોરબી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી શકશે.

આપત્તિકાળમાં તાત્કાલિક મદદ પહોંચાડવા તંત્રની અપીલ

મહાનગરપાલિકા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ આપત્તિકાળમાં નાગરિકોની સુરક્ષા માટે કંટ્રોલ રૂમમાં કર્મચારીઓની રાત-દિવસ અલગ-અલગ શિફ્ટમાં ડ્યુટી લગાવવામાં આવી છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ અને રાહત બચાવ કામગીરી ઘટનાસ્થળે સમયસર પહોંચાડી શકાય. મુશ્કેલીના સમયમાં જનતાને હાલાકી ન ભોગવવી પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરેથી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જરૂરિયાતના સમયે આ જાહેર કરાયેલા નંબરોનો ઉપયોગ કરવા માટે નાગરિકોને અનુરોધ કરાયો છે.

(10:03 PM IST)