તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
મધ્યપ્રદેશમાં સેવા સંકલ્પ અભિયાનમાં મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડા જોડાયા
વડનગરથી વારાણસી સુધી બાઈક યાત્રા, ભારત માતાની આરતી, રક્તદાન કેમ્પમાં સહભાગિતા અને બિરસા મુંડા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સાંસદ વિનોદ ચાવડાનો આત્મીય સંવાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સંકલ્પ અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ સેવાકીય તથા જનસંપર્કલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબી કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ મધ્યપ્રદેશમાં વિવિધ સામાજિક, સેવાકીય અને પ્રેરણાત્મક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સહભાગિતા નોંધાવી હતી.
આ અભિયાન અંતર્ગત યોજાયેલી વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રા દરમિયાન સાંસદશ્રી ચાવડાએ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સિલવાની વિધાનસભા વિસ્તાર તેમજ સાગર જિલ્લાના દેવરી વિધાનસભાના ગોપાલપુરા ખાતે સ્થાનિક કાર્યકરો અને નાગરિકો સાથે મુલાકાત કરી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ભારત માતાની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સામાજિક જવાબદારીના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં પણ સાંસદશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી યુવાનોમાં સેવાભાવ અને માનવતાની ભાવના વિકસે તેવા પ્રયાસોને બિરદાવ્યા હતા. રાયસેન જિલ્લાના સિયારમઉ સ્થિત બિરસા મુંડા સ્કૂલની મુલાકાત દરમિયાન સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓની શૈક્ષણિક તથા વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓ અંગે જાણકારી મેળવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને સંબોધતા સાંસદશ્રીએ અભ્યાસની સાથે પોતાની પ્રતિભા અને કૌશલ્યને વિકસાવવા તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. યુવાનો અને વિદ્યાર્થીઓ દેશની મહત્વપૂર્ણ શક્તિ હોવાનું જણાવી તેમની ક્ષમતાને યોગ્ય દિશા અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સેવા અને સમર્પણની ભાવના સાથે સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને સાકાર કરવો સૌની સામૂહિક જવાબદારી છે. ‘સેવા પરમો ધર્મઃ’ની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આવા કાર્યક્રમો સમાજમાં સેવાભાવ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને પ્રેરિત કરે છે. કાર્યક્રમોમાં દેવરી વિધાનસભાના ધારાસભ્ય પંડિત બ્રુજબિહારીજી, જિલ્લા મહામંત્રી રાની કુશવાહાજી, યુવા મોરચાના કાર્યકરો, સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ કાર્યક્રમોમાં યુવાનો અને સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
