News of Sunday, 12th July 2026
મોરબીમાં ખેડૂત આંદોલનની અદાવતે અવાજ દબાવવા સરકાર અને કલેક્ટર દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો દાવો : કારૂભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખનિજ વિભાગે રોયલ્ટી બુક અને સ્ટોકની ઝીણવટભરી ઓચિંતી તપાસ આદરી
સરકાર વિરૂદ્ધ જાવ એટલે દબાવવાના અને જેલમાં પૂરવાના પ્રયાસ તો થવાના જ, પણ હું કઈ ડરી જાવ એમ નથી - તંત્ર સામે મંત્રીના ભાઈનો સણસણતો પ્રહાર : જેટલું દુઃખ દેવું હોય તેટલું દેજો પણ પછી સહન કરવાની શક્તિ પણ રાખજોની ખુલ્લી ચેલેન્જ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: ખેડૂત આંદોલનમાં સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર મંત્રીના ભાઈ કારૂભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર ઉપર ખનિજ વિભાગ અને પીજીવીસીએલની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન અધિકારીઓની ટીમે રોયલ્ટી બુક, સ્ટોક અને ખાણમાંથી કેટલું ખનન કરવામાં આવ્યું છે તે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ઓચિંતી તપાસને લઈ કારૂભાઈ અમૃતિયાએ સરકાર અને અધિકારીઓ સામે તીખી પ્રતિક્રિયા આપી છે અને ગંભીર આક્ષેપો કર્યા છે.
મારી રોયલ્ટીના કાયમી પાંચ લાખ રૂપિયા એડવાન્સ જમા હોય છે:
આ દરોડા અંગે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા કારૂભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જ્યારે ખાણ ખનિજ વિભાગની ટીમ આવી ત્યારે તેઓ બહાર હતા, પરંતુ બાદમાં તેઓએ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "હું ક્યારેય કોઈ સરકારી બાબતોમાં કંઈ ખોટું કરતો નથી અને કરવા પણ માંગતો નથી. મારી રોયલ્ટીના કાયમી ૫ લાખ રૂપિયાથી વધુ એડવાન્સ જમા હોય છે. અગાઉ જ્યારે રાજકોટમાં હતા ત્યારે પણ ૨ લાખ રૂપિયા એડવાન્સ રહેતા હતા. અધિકારીઓને જે તપાસ કરવી હોય તે કરી લે, મારું કામ સંપૂર્ણપણે કાયદેસર છે."
કોઈ ખોટું સાબિત કરે તો બાપ-દાદાની તમામ મિલકત આપી દેવા તૈયાર:
તેમણે તંત્રને મોટો પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જો કોઈ પણ વ્યક્તિ એવું સાબિત કરી દે કે મેં કોઈની પાસે ૫૦૦ રૂપિયા માંગ્યા હોય કે કોઈનું ખોટું કર્યું હોય, તો હું મારા બાપ-દાદાની તમામ મિલકત આપી દેવા તૈયાર છું. હું દેશભક્તિ માટે અને દેશ માટે બલિદાન આપવા તૈયાર છું." જ્યારે મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે શું સરકાર અને કલેક્ટર વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ આ રેડ પાડવામાં આવી છે? ત્યારે કારૂભાઈએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "સરકાર વિરુદ્ધ જાવ એટલે તમને દબાવવાના અને જેલમાં પૂરવાના પ્રયાસો તો થવાના જ. જે કરવું હોય તે સરકાર કે અધિકારીઓ કરી લે, પરંતુ આ કારૂભાઈ કોઈનાથી ડરે તેવા નથી. સામેવાળાને જેટલું દુઃખ આપવું હોય એટલું આપી લે, પણ એટલી સહનશક્તિ પણ રાખે."
ખેડૂતો આંસુ પાડી રહ્યા છે, ગમે તેટલા ધમપછાડા કરો આંદોલન તૂટશે નહીં:
ખેડૂતોના મુદ્દે ચાલી રહેલા આંદોલનને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે, આંદોલનને તોડવા માટે ગમે તેટલા ધમપછાડા કરવામાં આવે, પરંતુ આ આંદોલન તૂટશે નહીં. તેમણે ખેડૂતોની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૫ વિઘા જમીન ધરાવતા ખેડૂતો આજે આંસુ પાડી રહ્યા છે, તેઓને કોઈ ચેક આપવામાં આવ્યા નથી અને ભારે અન્યાય થઈ રહ્યો છે. કલેક્ટર અને સરકાર દ્વારા આ પ્રકારની હેરાનગતિ માત્ર ખેડૂતોનો અવાજ દબાવવા માટે જ કરવામાં આવી રહી હોવાનો તેમણે ખુલ્લો દાવો કર્યો હતો.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
