<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ધોરણ 12 સાયન્સમાં 94.85% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત ચોથી વખત રાજ્યમાં પ્રથમ

1845માંથી 1750 વિદ્યાર્થીઓ પાસ, 27 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ; હળવદ કેન્દ્ર 98.43% સાથે જિલ્લામાં ટોચ પર

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા.૪ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 26/02/2026 થી 16/03/2026 દરમિયાન લેવામાં આવી હતી.

 

સમગ્ર રાજ્યનું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 84.33% જાહેર થયું છે. રાજ્યના આ પરિણામમાં મોરબી જિલ્લાએ ઝળહળતું પ્રદર્શન કરીને 94.85% ના ઊંચા પરિણામ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 

મોરબી જિલ્લામાં કુલ 1849 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1845 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર 1845 વિદ્યાર્થીઓમાંથી 1750 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

 

અન્ય ગ્રેડની વાત કરીએ તો મોરબી જિલ્લામાં A2 માં 291, B1 માં 472, B2 માં 391, C1 માં 355, C2 માં 191 અને D ગ્રેડમાં 23 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 99 છે.

 

 

 

કેન્દ્રવાર પરિણામની વિગતો

 

 

હળવદ કેન્દ્ર (3501) નું પરિણામ જિલ્લામાં સૌથી વધુ 98.43% આવ્યું છે, જ્યાં પરીક્ષા આપનાર 508 માંથી 500 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વાંકાનેર કેન્દ્ર (3503) નું પરિણામ 95.02% રહ્યું છે, જેમાં 301 માંથી 286 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. મોરબી કેન્દ્ર (3502) નું પરિણામ 93.05% આવ્યું છે, જેમાં 1036 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 964 ઉત્તીર્ણ થયા છે.

(11:33 AM IST)