<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ, વેરહાઉસે અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ

ચૂંટણીલક્ષી મશીનોના સ્ટોરેજ, તેની યોગ્ય જાળવણી અને સુરક્ષા ધોરણોનું પાલન ચકાસીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચના

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીલક્ષી સાધન-સામગ્રીની સુરક્ષા અને જાળવણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરે દ્વારા મોરબી ખાતે આવેલા ઇવીએમ અને વિવીપેટવેરહાઉસની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.


આ મુલાકાત દરમિયાન કલેક્ટરે વેરહાઉસ ખાતે સુરક્ષા બંદોબસ્ત, સીસીટીવી કેમેરા મોનિટરિંગ, રજીસ્ટર તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, ચૂંટણીલક્ષી મશીનોના સ્ટોરેજ, તેની યોગ્ય જાળવણી અને સુરક્ષા ધોરણોનું પાલન ચકાસીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી.

નાગરિકોને ઘર આંગણે મળતી ટપાલ અને જાહેર સેવાઓની ગુણવત્તા વધુ સઘન બને તથા પ્રક્રિયા વધુ પારદર્શક બને તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ તથા ટંકારા પોસ્ટ ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.

કલેક્ટરએ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ટપાલ બુકિંગ, વિતરણ વ્યવસ્થા, રોકડ વ્યવસ્થાપન તેમજ આધાર નોંધણી અને આધાર સંબંધિત સેવાઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસા કરી તેનો વ્યાપ વધુ વધારવા સૂચન કર્યું હતું. પોસ્ટ ઓફિસમાં નાગરિકોની અવરજવર અને સુવિધાઓને ધ્યાને રાખીને યોગ્ય જગ્યાની આવશ્યકતા પર ભાર મૂકતા કલેક્ટરએ નવા મકાન માટે યોગ્ય જગ્યા કે જમીનની માંગણી કરવા પોસ્ટલ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત, ટપાલ વિભાગની વિવિધ સેવાઓ અંગે જનજાગૃતિ વધે તે માટે મહાનગરપાલિકાના માધ્યમથી જરૂરી પત્રકોનું વિતરણ કરવા અંગે પણ સૂચનો કરાયા હતા. મોરબી મુલાકાત બાદ કલેક્ટર એ ટંકારા પોસ્ટ ઓફિસની પણ મુલાકાત લીધી હતી અને નાગરિકોને વધુ કાર્યક્ષમ તથા સુલભ સેવાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન રાજકોટ પોસ્ટલ ડિવિઝનના સહાયક અધિક્ષક અધિકારી તથા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્ટર વર્ષાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા

(11:08 PM IST)