<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

મોરબી: લીલાપર આવાસ યોજનાના હોલમાંથી ટ્યુબ લાઈટનો મોટો જથ્થો ગાયબ! કોંગ્રેસે કરી તપાસની માંગ.

શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી ચોરીની આશંકા વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ ઉઠાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં લીલાપર આવાસ યોજનામાં આવેલ હોલમાં પડેલ એલ્યુમિનિયમ બોક્સ વાળી ટ્યુબ લાઈટનો મોટો જથ્થો અચાનક ગાયબ થઈ જતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ ગંભીર મામલે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં પત્ર લખીને સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક તપાસની માંગણી કરી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, તારીખ 28-9-2022ના રોજ લીલાપર આવાસ યોજનાના હોલમાં એલ્યુમિનિયમ બોક્સ વાળી ટ્યુબ લાઈટનો મોટો જથ્થો પડેલો હતો, જેની સ્થાનિક લોકો દ્વારા ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ એક જનપ્રતિનિધિ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાએ આ સ્થળની રૂબરૂ મુલાકાત લેતા ત્યાં એકપણ ટ્યુબ લાઈટ જોવા મળી ન હતી. આ ટ્યુબ લાઈટના બોક્સ એલ્યુમિનિયમ જેવી કિંમતી ધાતુના બનેલા હોવાથી, પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર જથ્થાની ચોરી થઈ હોવાની આશંકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઘટના અંગેમહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરતા પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા આ ટ્યુબ લાઈટ અન્ય કોઈ જગ્યાએ મૂકવામાં આવી છે કે પછી ભંગારમાં વહેંચી દેવામાં આવી છે તેની તંત્ર દ્વારા સ્પષ્ટતા થવી જોઈએ. જો તંત્ર દ્વારા આ એલ્યુમિનિયમ ટ્યુબ લાઈટનો જથ્થો લેવામાં આવ્યો ન હોય, તો હાલ તે કઈ જગ્યા પર છે તેની સઘન તપાસ થવી જરૂરી છે.
વધુમાં, જો આ કિંમતી એલ્યુમિનિયમ ટ્યુબ લાઈટના જથ્થાની ખરેખર ચોરી થઈ હોવાનું તપાસમાં જણાઈ આવે, તો જવાબદાર તત્વો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે

(12:01 AM IST)