<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

જસદણના કુંદણી ગામે ગૂમ થયેલા લાલજીભાઇ હાંડાની તેની જ વાડીના કૂવામાંથી લાશ મળી

ગુરૂવારે ઘરેથી નીકળ્‍યા બાદ ગાયબ હતાં: ગઇકાલે શેઢા પાડોશીએ કૂવામાં ચપ્‍પલ તરતાં હોવાનું કહેતાં કરતાં લાશ મળીઃ રાજકોટ ખાતે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૨૬: જસદણના કુંદણી ગામે રહેતાં ખેડુત ગુરૂવારે ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ થઇ ગયા બાદ ગઇકાલે તેમની જ વાડીના કૂવામાંથી ફુલાઇ ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પરિવારજનો ઠેકઠેકાણે શોધખોળ કરી રહ્યા હતાં ત્‍યારે શેઢા પાડોશીએ વાડીના કૂવામાં ચપ્‍પલ તરતાં હોવાની જાણ કરતાં પરિવારજનોએ તપાસ કરતાં કૂવા અંદરથી લાશ મળી હતી. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે પોલીસે મૃતદેહ રાજકોટ ખસેડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ કુંદણી ગામે રહેતાં લાલજીભાઇ બીજલભાઇ હાંડા-કોળી (ઉ.વ.૪૮) ગુરૂવારે સવારે ઘરેથી નીત્‍યક્રમ મુજબ નીકળ્‍યા હતાં. વાડીએ આંટો મારીને બીજા એક કામે જવાના હોવાનું કહીને તેઓ નીકળ્‍યા હતાં. જો કે મોડી સાંજ સુધી તેઓ પરત ન આવતાં અને ફોન પણ ન લાગતાં પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં અને સગા સંબંધીઓને ત્‍યાં શોધખોળ શરૂ કરી હતી. ગઇકાલે બપોર સુધી તેમનો પત્તો ન મળતાં પરિવારજનો પોલીસ સ્‍ટેશને જવાની તૈયારીમાં હતાં ત્‍યાં જ લાલજીભાઇની જ્‍યાં વાડી છે ત્‍યાના શેઢા પાડોશીએ ફોન કરી જાણ કરી હતી કે તમારી વાડીના કૂવામાં ચપ્‍પલ તરે છે.

આથી પરિવારજનો તુરત જ વાડીએ પહોંચ્‍યા હતાં અને કૂવામાં જોતાં એ ચપ્‍પલ લાલજીભાઇના જ હોવાનું જણાતાં તરવૈયાઓ મારફત અંદર તપાસ કરતાં મૃતદેહ મળી આવતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. જસદણ પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી જસદણ હોસ્‍પિટલે મૃતદેહ ખસેડયો હતો. જો કે મૃતદેહ ફુલાઇ ગયો હોઇ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમનું કહેવાતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.

મૃત્‍યુ પામનાર લાલજીભાઇ બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. વાડીએ પગ લપસી જતાં કૂવામાં પડી ગયાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી. સગાએ કહ્યું હતું કે અમને મૃત્‍યુ અંગે કોઇ શંકા નથી. પણ  મૃતદેહ ફુલાઇગયો હોઇ જેથી ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે.

(11:03 AM IST)