<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

રાણાવાવના બાપોદરમાં એમપીથી ફોન કરી છોકરો હેરાન કરતો હોઇ સગીરાનો આપઘાત

૧૭ વર્ષની રેજી મસાલીયાએ સારવાર દરમિયાન રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયોઃ એકની એક દિકરી ગુમાવતાં મજૂર દંપતિ શોકમાં ગરક થયું

રાજકોટ તા. ૧૬: રાણાવાવના બાપોદર ગામે માતા-પિતા સાથે વાડીમાં રહી મજૂરી કરતી મુળ મધ્‍યપ્રદેશની સત્તર વર્ષની સગીરાએ ત્રણ દિવસ પહેલા વાડીએ ઝેર પી લીધુ હતું. તેનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત થયું છે. એમપીથી કોઇ છોકરો તેણીને ફોન કરી હેરાન કરતો હોઇ આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ બાપોદર ગામે માલદેભાઇ ભીમાભાઇની વાડીમાં પરિવાર સાથે રહી મજુરી કરતી મુળ મધ્‍યપ્રદેશની  રેજી છગનભાઇ મસાલીયા (ઉ.વ.૧૭)એ ૧૩મીએ સાંજે વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે પોરબંદર અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં રાણાવાવ પોલીસને જાણ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેણીનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે રાણાવાવ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર રેજી  માતા-પિતાની એકની એક દિકરી હતી. તેણીના માતાએ કહ્યું હતું કે એમપીમાં સગામાં થતો એક છોકરો તેણીને સતત ફોન કરી હેરાન પરેશાન કરતો હોઇ કંટાળી જતાં તેણીએ ઝેરી દવા પી લીધી હતી. ખરેખર શું બન્‍યું? તે અંગે રાણાવાવ પોલીસ તપાસ કરે છે.

(11:48 AM IST)