તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
મંત્રી પરસોત્તમ સોલંકીએ કહ્યું - પબૂભાના નિવેદનને મારુ સમર્થન :આવનારા દિવસોમાં આનું રિઝલ્ટ પણ મળશે
ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે ગુજરાતના મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ તેવું નિવેદન આપીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો

દ્વારકા શહેરમાં કોળી સમાજની વાડીમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે ગુજરાતના મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ તેવું નિવેદન આપીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. એવામાં હવે કોળી સમાજના દિગ્ગજ નેતા અને સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ હવે પબુભાના નિવેદનને સમર્થન આપ્યું છે.
પબુભાના નિવેદન મુદ્દે પ્રશ્ન પૂછતાં પરસોત્તમ સોલંકીએ જણાવ્યું કે, કોળી સમાજને મોટું સ્થાન મળવું જ જોઈએ. પબુભાએ જે નિવેદન આપ્યું છે, તેને મારું સમર્થન છે. આવનારા દિવસોમાં આનું રિઝલ્ટ પણ મળશે.
હકીકતમાં દ્વારકા શહેરમાં કોળી સમાજની વાડીમાં માતાજીના માંડવા પ્રસંગે દ્વારકાથી ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય પબુભા માણેકે પોતાના સંબોધનમાં ધારાસભ્ય હીરા સોલંકીને ઉદ્દેશીને કહ્યું હતુ કે, મુખ્યમંત્રી પણ તમારા સમાજના જ હોવા જોઈએ. તમારો કોળી સમાજ ગુજરાત લેવલે બીજા નંબરે છે. અત્યાર સુધી આપણા વડીલોએ જે કહ્યું, તે સારું જ કર્યું છે. જો કે હવે યુવાનોએ ખરેખર જાગવું પડશે.
અગાઉ ઉના ખાતે કોળી સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પરસોત્તમ સોલંકીએ નામ લીધા વિના કેટલાક કોળી નેતાઓને આડેહાથ લેતા જણાવ્યું હતુ કે, કેટલાક નુગરા લોકો સત્તા પર આવ્યા બાદ સમાજને ભૂલી જાય છે. આવા લોકોના હાથમાં સત્તા આવ્યા બાદ તેઓને સૌથી પહેલા પૈસા જ દેખાય છે. આવા લોકોને મત આપવા કરતાં મતદાન જ ના કરવું જોઈએ.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
