તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
જસદણ ગ્રામ્યના ૬.૨૫ કરોડના ખર્ચે ત્રણ રસ્તાનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખાતમુહૂર્ત કર્યુ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૫: જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા ૬.૨૫ કરોડના ખર્ચે જુદા જુદા ત્રણ રસ્તાઓ નવા બનાવવા માટેના કામનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, હાલ નાનામાં નાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાકા રસ્તાઓ તેમજ પુલોના નિર્માણથી સડક પરિવહન વધુ સુગમ બન્યું છે. જેના પરિણામે નાગરિકોના સમયની બચત સાથે ગ્રામ્ય વિસ્તારોના આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ મળ્યો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સૌની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાના પરિણામે જસદણ-વિંછીયા પંથકમાં પાણીની સમસ્યા દૂર થઈ છે. સૌની યોજનાના માધ્યમથી તળાવો અને ડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવતા પીવાના પાણીની સમસ્યા પણ હલ થઈ છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવેલા વિકાસકાર્યોમાં કિસાન પથ યોજના અંતર્ગત રૂપિયા એક કરોડના ખર્ચે નવાગામ-સોમલપર રોડ રીસર્ફેસિંગ કામ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે સ્ટેટ હાઇવેથી કુંડળી ગામ એપ્રોચ રોડના રીસર્ફેસિંગ કામ તેમજ એમ.એમ.જી.એસ.વાય. યોજના અંતર્ગત રૂ.૪ કરોડના ખર્ચે બોઘરાવદર-ફાડદંગ નોન-પ્લાન રોડના નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ મેર, સિંચાઈ સમિતિના ચેરમેન દેવાભાઈ સહિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આસપાસના ગામોના સરપંચશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગના એમ.એસ. પંડ્યા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
