<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

કચ્છના વરલી ગામે ગેરકાયદે ખનન ઉપર ખાણખનીજ વિભાગનો દરોડો: ૧.૦૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગ્રામજનોની ફરિયાદ બાદ ફ્લાઈંગ સ્ક્વોડ અને પ્રાંત અધિકારીની સંયુક્ત કાર્યવાહીમાં ૬ વાહનો સીઝ કરાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. કલેક્ટર,કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્ક્વોડ-કચ્છ અને પ્રાંત અધિકારી ભુજની સંયુક્ત તપાસ ટીમે ભુજ તાલુકાના સાકરાઈ ટીમ્બો સીમ વિસ્તારમાં અચાનક દરોડો પાડી ગેરકાયદે ખનન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં રૂ. ૧.૦૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.વરલી ગામના જનો દ્વારા ગેરકાયદે ખનન અંગે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને ફ્લાઈંગ સ્ક્વોડ-કચ્છ તથા ભુજ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા પધ્ધર પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સાકરાઈ ટીમ્બો ખાતે સીમ વિસ્તારમાં આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો.જેમાં સાદી માટીનું ગેરકાયદે ખનન ઝડપાયું હતુ.તપાસ દરમિયાન ઘટનાસ્થળે સાદી માટી ખનિજનું કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ખોદકામ અને વહન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. સંયુક્ત ટીમે સ્થળ પરથી એક્સેવેટર મશીન ,લોડર,ટ્રેક્ટર એમ કુલ મળીને ૦૬ વાહનો ઝડપી પાડ્યા હતા. પંચોની રૂબરૂ માપણી કરી સરકારી ટીમે જપ્ત કરાયેલા તમામ ૦૬ વાહનોને સીઝ કરી કાયદેસરની આગળની કાર્યવાહી અર્થે પધ્ધર પોલીસ સ્ટેશનના સુપ્રત કર્યા હતા. આ ઉપરાંત પંચોની રૂબરૂમાં ખનન વાળા સમગ્ર વિસ્તારની ચોક્કસ માપણી પણ હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા રૂ. ૧.૦૭ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ અને ખનિજ નિયમો અનુસાર દંડકીય તથા કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રની આ સરપ્રાઈઝ ચેકિંગથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જો કે ગ્રામજનો એ ખનીજ ચોરી સામે પડકાર ન ફેકી અને તંત્ર ની મદદ થી આ પ્રવુતિ ન અટકાવી હોત તો મોટી ખનિજ ચોરી ને અંજામ અપાઈ ગયો હોત ત્યારે ગ્રામજનોના વિરોધ અને હોબાળા સાથે તંત્ર પણ આવી પ્રવૃતિ અટકાવવા માટે નેટવર્ક ઊભું કરે તે જરૂરી છે.

(9:32 AM IST)