તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
જામનગર નજીક ખીજડિયા ગામે ખનિજ વિભાગની તવાઈઃ ૩૫ લાખનો માલ જપ્ત
ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમની કાર્યવાહી બાદ ધુંવાવ પોલીસને કબજો સોંપાયો

જામનગર, તા.૯: જિલ્લાના ખીજડિયા ગામ ખાતે ગેરકાયદેસર ખનિજ ખનન સામે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદના આધારે તપાસ માટે પહોંચેલી વિભાગની ટીમે બિનઅધિકળત રીતે સોફ્ટ મોરમ ખનિજનું ખનન કરતા એક હિટાચી મશીન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોજે ખીજડિયા ગામે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ, જામનગરની તપાસ ટીમે સ્થળ પર તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે સોફ્ટ મોરમ ખનિજનું ખનન થતું હોવાનું જણાતા કાર્યવાહી કરી હતી. દરમિયાન એક હિટાચી મશીન કબજે લેવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીમાં આશરે રૂ.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ હિટાચી મશીનનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધુવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની તપાસ ટીમના અધિકારીઓ નિખિલભાઈ, નૈતિકભાઈ અને રમેશભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી સામે આવી જ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
