તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ચોટીલામાં ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇકમાં ૧,૦૦૦ કરોડથી વધુની ખનીજ ચોરી ઝડપાઈ
કાળા સામ્રાજ્ય પર કાયદાનો સપાટોઃ પવિત્ર પંચાળને ખનીજ માફિયા મુક્ત કરવાની તંત્રની નેમઃ ખનીજ માફિયાઓના કાળા સામ્રાજ્ય પર તંત્રનો પહેરો બે હજારથી વધુ ગે.કા. ખાણો બંધ : ૨,૨૦૦ ગેરકાયદેસર ખાણો બંધઃ જીવના જોખમે કામ કરતા ૨૦,૦૦૦થી વધુ શ્રમિકોનું રેસ્કયૂં કરી વતન ખસેડાયા

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૭: સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર ઐતિહાસિક પંચાળ પંથકથી ઓળખાતા ચોટીલા, થાનગઢ, અને મૂળી પંથકમાં વર્ષોથી બેફામ ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજચોરી પર વહીવટી તંત્રે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. ચોટીલા સબ ડીવીઝનનાં નાયબ કલેકટર એચ. ટી. મકવાણાની નિમણૂંક બાદ, તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન ખનીજ માફિયાઓનું નેટવર્ક સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેતો એક સત્તાવાર અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આમ નાગરિકોના હક્કોને કેન્દ્રસ્થાને રાખીને તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
૧,૦૦૦ કરોડનો સપાટોઃ ચોટીલા, થાન અને મૂળી તાલુકામાં વ્યાપક તપાસ હાથ ધરીને અંદાજિત રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની ખનીજચોરી ઝડપી પાડવામાં આવી છે.
૨,૨૦૦ ખાણો સીલ, ૧,૧૦૦ કૂવા પૂરાયાઃ ખનીજચોરીના મુખ્ય ગઢ ગણાતા જામવાડી, ખાખરાથળ, ભાડુલા અને ભેટ સહિતના વિસ્તારોમાં ૨,૨૦૦ જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો બંધ કરાવી, ૧,૧૦૦ જેટલા જોખમી કૂવાઓને માટી વાળીને પૂરી દેવાયા છે.૨૦,૦૦૦થી વધુ શ્રમિકોનું રેસ્કયૂઃ આ ગેરકાયદેસર ખાણોમાં જીવના જોખમે મજૂરી કરી રહેલા ૨૦,૦૦૦થી વધુ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી (રેસ્કયૂ કરીને) તેમના મૂળ વતનમાં પરત મોકલવાનું માનવતાવાદી કાર્ય કરાયું છે.
બુલડોઝર એક્શનઃ માફિયાઓએ કાળી કમાણીમાંથી સરકારી જમીનો પર બનાવેલી ૫૦૦થી વધુ ગેરકાયદેસર હોટલો, દુકાનો અને ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરાયા છે.
ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે કે હાલમાં થાનગઢ અને મૂળી પંથકમાં સંપૂર્ણપણે ખનીજચોરી બંધ છે. આ કાળો કારોબાર ભવિષ્યમાં ફરી કયારેય શરૂ ન થાય તે માટે મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની ખાસ ટીમો તૈનાત કરાઈ છે. જિલ્લાના સૌથી સંવેદનશીલ એવા ૪૨ સ્થળો (હોટસ્પોટ્સ) પર ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ગુનેગારો સામે કાયદાનો ગાળિયોઃ ૨૦૦થી વધુ માફિયાઓને તડીપાર કરવાની તૈયારી.
સરકારી જમીન હડપ કરનારા માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. વળી, જે ખેડૂતોએ પોતાની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવા દીધું હતું, તેમની જમીનો શ્રીસરકાર (સરકાર હસ્તક) કરવાની કાયદાકીય તજવીજ હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં આ કાળા કારોબાર સાથે સંકળાયેલા નામચીન મોટા ગજાના ૨૦૦થી વધુ ખનીજ માફિયાઓને તડીપાર (જીલ્લા નિકાલ) કરવાની મજબૂત દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે.
તંત્રની આ કડક સપાટો બોલાવતી કામગીરીથી સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે અને સરકારી તિજોરીને થતું અબજો રૂપિયાનું નુકસાન અટકયું છે.
બુરાણ કરાયેલ મોત ના ખાડા અને ખનીજ ચોરી થતા વિસ્તાર ઉપર તંત્ર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખે છે. (તસવીરઃ હેમલ શાહ)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
