<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ભાવનગરના ગારિયાધાર પંથકમા વિરડી ગામે મકાન અને ખેતીની જમીનના વિવાદમાં આધેડની હત્યા

જૂની અદાવત રાખી ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે આધેડ પર હુમલો કરતા ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે મકાન અને ખેતીની જમીનના વિવાદમાં આધેડની હત્યા થયાની ઘટના સામે આવી છે. જૂની અદાવત રાખી ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે આધેડ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ છે. ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે મૃતકના પુત્રએ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇ ગારિયાધાર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગારિયાધાર તાલુકાના વિરડી ગામે રહેતા આણંદભાઈ કંટારિયા પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના કુટુંબીજનો રમેશભાઈ કંટારિયા, ચિરાગભાઈ કંટારિયા અને મહેશભાઈ કંટારિયા લોખંડના પાઈપ લઈને ત્યાં આવ્યા હતા. ત્રણેયે આણંદભાઈ પર હુમલો કરી બંને હાથ, બંને પગ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
હુમલા દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. જેને પગલે હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનો આક્ષેપ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આણંદભાઈને સારવાર માટે પ્રથમ ગારિયાધારની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં સુરતમાં રહેતા મૃતકના પુત્ર યોગેશભાઈ કંટારિયા ભાવનગર પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, મકાન તથા ખેતીની જમીન બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ જ અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. ગારિયાધાર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(11:44 PM IST)