<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

મુળીના વેલાળામાં ખેતર ખેડતી વખતે ટ્રેકટર પલ્‍ટી ખાઇ જવાને લીધે મેહુલ ટોળીયાનું મોત

૨૧ વર્ષના યુવાનના મૃત્‍યુ અંગે પોલીસને શંકા ઉપજતાં મૃતદેહ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડાયોઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૪: સુરેન્‍દ્રનગરના મુળી તાબેના વેલાળા ગામે રહેતાં યુવાનનું પોતાની વાડીએ ટ્રેકટર પલ્‍ટી મારી જતાં દબાઇ જવાને કારણે મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. જો કે પોલીસને આ બનાવ અંગે શંકા ઉપજતાં મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.

જાણવા મળ્‍યા મુજબ મુળી તાબેના વેલાળા ગામે રહેતો મેહુલ ગોપાલભાઇ ટોળીયા (ઉ.વ.૨૧) ગઇકાલે સવારે પોતાની વાડીએ કામે ગયો હતો. બાદમાં બપોરે પરિવારજનો ત્‍યાં જતાં ટ્રેકટર ઉંધુ પડેલુ અને મેહુલ દબાઇ ગયેલો દેખાતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેમજ પોલીસને જાણ કરાઇ હતી. મેહુલને મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.મૃત્‍યુ પામનાર મેહુલ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તેના પિતા પશુપાલન કરે છે. મેહુલ ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. પરિવારજનોના કહેવા મુજબ વાડીએ ટ્રેકટરથી ખેતર ખેડતી વખતે આ બનાવ બન્‍યો હતો. જો કે પોલીસને શંકા ઉપજતાં મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી ટોળીયા પરિવારમાં શોક છવાઇ ગયો છે. 

(1:36 PM IST)