News of Tuesday, 2nd June 2026
ગુજરાતમાં આજે પણ મેઘરાજાની બેટિંગઃ ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

(જયેશ ભટાસના દ્વારા) ટંકારા : રાજસ્થાન તરફથી થન્ડરસ્ટોર્મ પેચ સક્રિય થતાં બનાસકાંઠા, અમદાવાદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામશેઃ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ઝાપટાની સંભાવના.
યુવા વેધર મેન ઉત્તમ માળી એઆપેલી માહિતી અનુસાર, આજે ૨ જૂનના રોજ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બપોર પછીથી લઈને રાત્રિ દરમિયાન ધમાકેદાર વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે.
હવામાનના બદલાતા પરિબળો મુજબ મધ્ય રાજસ્થાન અથવા જેસલમેર આસપાસ એક મજબૂત થન્ડરસ્ટોર્મ પેચ વિકસિત થઈ રહ્યો છે, જેની સીધી અસર ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની પ્રબળ શક્યતા છે.
આ સિસ્ટમના કારણે ખાસ કરીને થરાદ, વાવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પંચમહાલ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે ગાજવીજ અને તેજ પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જામશે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતને અડીને આવેલા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય. બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકમાં પણ હવામાનમાં પલટો આવશે, જેમાં બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના જુદા-જુદા ભાગોમાં સાંજના સમયે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે, જેને પગલે સ્થાનિક લોકોને અસહ્ય બફારા અને ગરમીથી મોટી રાહત મળશે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
