News of Sunday, 5th July 2026
અમરેલીમાં મેઘમહેર: ખાંભામાં ૭ ઇંચ તોફાની વરસાદથી નદીઓમાં નવા નીર, ખેડૂતોમાં આનંદની લહેર
બે કલાકના વરસાદમાં અમરેલી જિલ્લાના જળસ્તર વધ્યા: ખાંભા સહિતના પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખેડૂતોમાં વાવણીની આશા જાગી

અમરેલી, : સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે અમરેલી જિલ્લો મેઘરાજાની મહેરનો મુખ્ય કેન્દ્રબિંદુ બન્યો હતો. આજે બપોર બાદ ખાંભા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા જનજીવન પ્રભાવિત થયું હતું, જેમાં ખાંભામાં એક જ દિવસમાં ૭.૩ ઇંચ વરસાદ નોંધાતા નદીઓમાં નવા નીર આવ્યા છે.
આજે રાતે ૮ થી ૧૦ વાગ્યા સુધીના ૨ કલાક દરમિયાન રાજ્યના ૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સૌથી વધુ ૧૦૮ મિ.મી (૪.૨૫ ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય સાવરકુંડલામાં ૩૯ મિ.મી (૧.૫ ઈંચ), ધારીમાં ૩૭ મિ.મી (૧.૪ ઈંચ) ઉપરાંત સુરતના અંબિકામાં ૨૮ મિ.મી (૧.૧૦ ઈંચ) વરસાદ વરસ્યો છે.
બપોરે ૪ વાગ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ખાંભા તાલુકાના બોરાળા, તાલડા, હનુમાનપુરા, ખડાધાર, મોટા બારમણ, ઉમરીયા, પીપળવા, જામકા, ત્રાકુડા સહિતના ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. સતત પડી રહેલા વરસાદના કારણે બોરાળા ગામમાંથી પસાર થતી સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થતાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
રાજ્યભરમાં આજે સવારે ૬ થી રાતના ૧૦ વાગ્યા સુધીમાં ૧૩૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલી ઉપરાંત નવસારી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત અને ડાંગ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. કૃષિ ક્ષેત્ર માટે આ વરસાદ અત્યંત આશીર્વાદરૂપ સાબિત થયો છે, ત્યારે આગામી દિવસોમાં પણ વાવણીના કામો તેજ બનવાની શક્યતા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
