તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
ધોધમાર નહીં ઝાપટારૂપે અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા મેઘરાજા
સાર્વત્રિક વરસાદની રાહ વચ્ચે બપોર સુધીમાં છૂટક-છૂટક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યોઃ અનેક વિસ્તારોમાં હજુ વરસાદની રાહ

રાજકોટ, તા.૧૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મેધરાજાની સોૈ કોઇ કાગડોળે રાહ જોઇ રહયા છે અને આજે અષાઢી બીજ એટલે વરસાદ માટે શુકનનો દિવસ છે પરંતુ આજે અષાઢી બીજ હોવા છતા આજે ધોધમારના બદલે ઝાપટારૂપે વરસાદ વરસી રહયો છે.
સાર્વત્રિત વરસાદની રાહ વચ્ચે આજે બપોર સુધીમાં છૂટક-છૂટક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં હજુ ધોધમાર વરસાદની રાહ જોવાઇ રહી છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : આજે અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાએ પોતાની હાજરી પુરાવીને મુહૂર્ત સાચવ્યું છે. શહેર તેમજ ગ્રામ્ય પંથકના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા, જેને પગલે વાતાવરણમાં ગરમીથી આંશિક રાહત મળી છે અને ઠંડક પ્રસરી ગઈ છે.
સનાતન પરંપરા અને કળષિ સંસ્કળતિમાં અષાઢી બીજના દિવસે વરસાદનું આગમન થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસના વરસાદને આગામી વર્ષ માટે સારા ચોમાસાના સંકેત તરીકે જોવામાં આવે છે. મોરબીમાં મેઘરાજાના આ શુભ પગલાંથી ધરતીપુત્રો સહિત સામાન્ય નાગરિકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
ટંકારા
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા : તાલુકામાં ચોમાસાનુ જોર આજે ફરી જોવા મળ્યુ છે તાલુકાના વાઘગઢ, ધુનડા, ખાનપર, નાના ખીજડીયા સહિતના વિસ્તારોમાં આજે જોરદાર વરસાદના ઝાપટાં પડ્યા હતા.
વરસાદના કારણે આસપાસના ખેતરોમાં ચોમાસાના પાણી ચાલુ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી બફારાથી ત્રસ્ત ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. ખેતરોમાં પાણી પહોંચતા વાવણીની કામગીરીને પણ વેગ મળશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ તાલુકામાં છૂટા-છવાયા વરસાદની શકયતા છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર-ધ્રોલ અને લાલપુર તાલુકામાં આજે સવારના ૬ થી બપોરના ર વાગ્યા સુધીમાં બે-બે મીલી વરસાદ પડયો છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ : આજે ‘અષાઢી બીજ'નિમિત્તે સમગ્ર કચ્છમાં ધાર્મિક ઉત્સાહ અને કચ્છીયતની ઝલક જોવા મળી. ભગવાન શ્રી જગન્નાથજીના પવિત્ર તહેવાર અને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાતા આ દિવસે વાગડ વિસ્તારમાં મેઘરાજાએ પણ પધરામણી કરીને ભક્તોના આનંદને બમણો કરી દીધો હતો.
કચ્છી નવા વર્ષ એટલે કે અષાઢી બીજના દિવસે વાગડ વિસ્તારમાં વરસાદની પધરામણી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ખેડૂતો માટે આ વરસાદને શુભ શુકન ગણવામાં આવી રહ્યો છે.(તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
